ગિરનાર લીલી પરિક્રમામાં 22,242 ભાવિકોને અપાઈ આરોગ્ય સેવા, અંતિમ દિવસે 645 યાત્રિકોની સારવાર

19થી 24 નવેમ્બર દરમિયાન પરિક્રમા રૂટથી ગિરનાર પર્વત સુધી મેડિકલ ટીમો રહી તૈનાત, જરૂરિયાતમંદ 99 દર્દીઓને વધુ સારવાર માટે રિફર કરાયા

ગિરનાર લીલી પરિક્રમામાં 22,242 ભાવિકોને અપાઈ આરોગ્ય સેવા, અંતિમ દિવસે 645 યાત્રિકોની સારવાર

જૂનાગઢ તા.25
જૂનાગઢમાં યોજાયેલી ગિરનાર લીલી પરિક્રમા દરમિયાન લાખો શ્રદ્ધાળુઓની આરોગ્ય સુરક્ષાને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વ્યાપક તબીબી વ્યવસ્થા કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગની ટીમોએ પરિક્રમા રૂટથી લઈને ગિરનાર પર્વત સુધી સતત સેવાઓ પૂરી પાડી હતી. 19થી 24 નવેમ્બર દરમિયાન કુલ 22,242 ભાવિકોને વિવિધ પ્રકારની આરોગ્ય સારવાર આપવામાં આવી હતી.
યાત્રિકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે 19 નવેમ્બરથી જ એમ્બ્યુલન્સ, જીવનરક્ષક દવાઓ અને અન્ય જરૂરી તબીબી સુવિધાઓ કાર્યરત કરવામાં આવી હતી. પરિક્રમા માર્ગ પર હંગામી દવાખાનાં ઊભાં કરવામાં આવ્યાં હતાં, જ્યારે રાવટીઓમાં પણ મેડિકલ ટીમો તૈનાત રાખવામાં આવી હતી. ગિરનાર પર્વત પર યાત્રિકોની અવરજવર અને ભીડને ધ્યાનમાં રાખીને ત્યાં પણ આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.
આરોગ્ય વિભાગના આંકડા મુજબ, પરિક્રમા દરમિયાન સૌથી વધુ 14,456 લોકોને શરીરના દુખાવાની સારવાર આપવામાં આવી હતી. આ ઉપરાંત 4,142 ભાવિકોને શરદી, 1,409 લોકોને તાવ, 252 લોકોને ઝાડા, 218 લોકોને ઊલટી અને 91 લોકોને ઝાડા-ઊલટીની સારવાર આપવામાં આવી હતી. જ્યારે અન્ય આરોગ્ય સમસ્યાઓ ધરાવતા 1,523 લોકોને પણ જરૂરી તબીબી સહાય પૂરી પાડવામાં આવી હતી. વધુ સારવારની જરૂરિયાત જણાતાં 99 દર્દીઓને અન્ય આરોગ્ય કેન્દ્રોમાં રિફર કરવામાં આવ્યા હતા.
પરિક્રમાના અંતિમ દિવસે પણ આરોગ્ય વિભાગની ટીમો દ્વારા કામગીરી ચાલુ રાખવામાં આવી હતી અને તે દિવસે અંદાજે 645 યાત્રિકોને સારવાર આપવામાં આવી હતી. આમ, સમગ્ર પરિક્રમા દરમિયાન આરોગ્ય વિભાગે વિવિધ સ્થળોએ તબીબી સુવિધાઓ ઉપલબ્ધ રાખીને ભાવિકોની આરોગ્ય સુરક્ષા માટે કામગીરી કરી હતી. વહીવટી તંત્રની આ વ્યવસ્થાને પરિક્રમામાં આવેલા શ્રદ્ધાળુઓએ પણ બિરદાવી હતી.