નરસિંહ મહેતા સરોવરમાં ગટરનું પાણી ભળતા પર્યાવરણ અને આરોગ્ય માટે ગંભીર ખતરો

સરોવરના કાંઠે વધી રહેલ ગાંડીવેલનું આક્રમણ કોર્પોરેશનને કેમ દેખાતું નથી ?

નરસિંહ મહેતા સરોવરમાં ગટરનું પાણી ભળતા પર્યાવરણ અને આરોગ્ય માટે ગંભીર ખતરો

જૂનાગઢ, તા.૧૨
જૂનાગઢનાં અત્યંત રમણીય સ્થાન એવા નરસિંહ મહેતા સરોવરમાં છેલ્લા કેટલાક દિવસો થયા ગટરનું પાણી ભળી રહયું હોવાની વ્યાપક ફરીયાદો ઉઠી છે. નરસિંહ મહેતા સરોવરમાં રહેલા જળસ્ત્રોતોને લઈને અનેક સોસાયટીઓનાં તળ ઉંચા આવેલા છે. પરંતુ સરોવરનાં પાણીમાં ગટરનું પાણી ભળવાનાં કારણે પર્યાવરણ અને આરોગ્ય બાબતે ગંભીર ખતરો તોળાઈ રહયો છે અને જે અંગે જૂનાગઢ કોર્પોરેશન દ્વારા તાત્કાલીક અસરથી કાર્યવાહી કરવાની માંગણી ઉઠવા પામી છે.  આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલા અને કરોડોના ખર્ચે નવનિર્મીત બનેલા નરસિંહ મહેતા સરોવરની જાળવણી માટે નકકર પગલા ભરવાની જરૂર છે. આ ઉપરાંત સરોવરનાં કાંઠે સતત વધી રહેલી ગાંડીવેલને પણ વહેલી તકે દુર કરવાની જરૂર છે. અહીં નીકળતા લોકોને ગાંડીવેલ જાેવા મળે છે  પરંતુ કોર્પોરેશન તંત્રને ગાંડીવેલ જાેવા મળતી નથી ! તેવો સવાલ આજે ચર્ચાનો વિષય બન્યો છે.  કરોડોનો ખર્ચ કરી નવારૂપ રંગ સાથે નરસિંહ મહેતા સરોવરનું લોકપર્ણ કરી ખુલ્લુ મુકવામાં આવ્યું છે. શરૂઆતથી જ નરસિંહ મહેતા સરોવરની મુલાકાતે જૂનાગઢની જનતા ઉમટી પડી હતી અને સારૂ ફરવા લાયક સ્થળ બનાવવામાં આવ્યું હોવાનો સંતોષ વ્યકત કર્યો હતો. દરમ્યાન નરસિંહ મહેતા સરોવરની પ્રવેશ ટીકીટનાં દર રૂા.ર૦ જેટલા કરતા અહીં આવનારા મુલાકાતીઓની સંખ્યા ઘટી છે. બીજી તરફ અહીં પાર્કીંગની વ્યવસ્થા નથી, ટોયલેટ માટેની વ્યવસ્થા નથી, પીવાનાં પાણીની વ્યવસ્થા નથી તેમજ જાળવણી પ્રત્યે પણ પુરતુ ધ્યાન અપાતું નથી.  કરોડોના ખર્ચે સરોવરનું નવ નિર્માણ થયું છે ત્યારે તેની જાળવણી માટે નકકર પગલા ભરવાની માંગ છે. આ ઉપરાંત નરસિંહ મહેતા સરોવરના કાંઠે ગાંડીવેલનું આક્રમણ સતત વધી રહ્યું છે ત્યારે કોર્પોરેશન તંત્ર દ્વારા આ બાબતે તત્કાલ કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે. તો બીજી તરફ નરસિંહ સરોવરમાં જ પાણીનાં સ્ત્રોતમાં હવે તો ગટરનું ગંદુ પાણી પણ ભળવા લાગ્યું છે જેને લઈને આસપાસની અનેક સોસાયટીઓમાં આવેલા બોરનાં પાણીમાં પણ ગટરનું ભેળસેળયુકત પાણી નીકળતું હોવાની પણ ફરીયાદ ઉઠી છે. અને લોકોનાં આરોગ્ય ઉપર ગંભીર ખતરો તોળાઈ રહયો છે ત્યારે જવાબદાર તંત્ર એટલે કે કોર્પોરેશન દ્વારા વહેલી તકે કાર્યવાહી કરવા માંગ ઉઠી છે.

નરસિંહ મહેતા સરોવર ખાતે અન્ય શહેરોની માફક સ્થાનિક લોકો માટે પ્રવેશ નિ:શૂલ્ક કરો

જૂનાગઢ તા. ૧૦
જૂનાગઢ શહેરમાં કરોડોનાં ખર્ચે નવનિર્મિત થયેલા નરસિંહ મહેતા સરોવરની પ્રવેશ ટીકીટ રૂા. ર૦ કરવામાં આવી છે ત્યારે જૂનાગઢવાસીઓને તો સરવાળે ખોટનો ધંધો ગણાય છે. શહેરીજનોને તેનો વિના મુલ્યે લાભ મળવો જાેઈએ તેવી પણ માંગણી ઉઠવા પામી છે. ગુજરાત સરકારનાં સીધા દોરવણી હેઠળ શહેરની મધ્યમાં આવેલા નરસિંહ મહેતા સરોવરનું કરોડોનાં ખર્ચે નવીનીકરણ થયા બાદ શહેરને એક સુંદર મજાનાં રમણ્ય સ્થાનની ભેટ મળી છે. શહેરીજનો ઉત્સાહીત અને ખુશીની લાગણી વ્યકત કરી હતી. પરંતુ નરસિંહ મહેતા સરોવરમાં પ્રવેશ માટે રૂા. ર૦ની ટીકીટ રાખવમાં આવી છે ત્યારે તેની સામે કચવાટની લાગણી જાેવા મળી છે. ગુજરાતનાં અન્ય મોટા શહેરો છે ત્યાં સ્થાનિક લોકો માટે પ્રવેશ ફી નથી ત્યારે જૂનાગઢ શહેરમાં પ્રવેશ ફી રૂા. ર૦ રાખવામાં આવતા તેનો વિરોધ થઈ રહયો છે. સ્થાનિક લોકો માટે પ્રવેશ નિ:શૂલ્ક કરવા માંગણી ઉઠી છે.આગામી દિવસોમાં કોર્પોરેશન તંત્ર દ્વારા આ બાબતે યોગ્ય કાર્યવાહી કરે તેવી લાગણી ઉઠવા પામી છે.