ગીરનાર પર્વત પર સતત બીજા દિવસે ૭ ડીગ્રી કાતિલ ઠંડી : પ્રવાસીઓ ઠુંગરાયા
જૂનાગઢ શહેરમાં લઘુતમ તાપમાન ૧ર ડીગ્રીની સાથે કાતિલ ઠંડીનો સપાટો
જૂનાગઢ તા. ૧૯
જૂનાગઢ સહીત સૌરાષ્ટ્ર કચ્છમાં શિયાળો જામતો જાય છે અને સવારના ભાગે ઠંડીની તીવ્રતામાં વધારો થઈ રહયો છે. આજે ગીરનાર પર ૭ ડીગ્રી ઠંડી રહી છે. જયારે જૂનાગઢ શહેરમાં ૧ર ડીગ્રી ઠંડી રહી છે.
શિયાળાની શરૂઆત સાથે જ ઠંડીના પ્રમાણમાં દિવસે દિવસે વધારો થઈ રહયો છે અને કાતિલ ઠંડીનું તીવ્ર મોજુ વ્યાપી ગયું છે. દરમ્યાન મળતા અહેવાલ અનુસાર આજે પણ સતત બીજા દિવસે ગીરનાર પર્વત પર ૭ ડીગ્રી ઠંડી રહેવાના કારણે પ્રવાસીઓ સહીતના લોકો ઠંડીનાં કારણે પ્રભાવિત થયા હતા. ગીરનાર પર્વત પર ૭ ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાતા સમગ્ર પર્વત વિસ્તારમાં કડકડતી ઠંડીનો અનુભવ થયો હતો. જયારે ગીરનાર પર્વતની સાથે સાથે જૂનાગઢ શહેરમાં પણ ઠંડીનું મોજુ ફરી વળ્યું હતું અને લઘુતમ તાપમાન ૧ર ડીગ્રી રહયું હતું. ભેજનું પ્રમાણ ૭ર ટકાએ પહોંચી જતાં ઠંડી કાતિલ બની હતી. પવનની ગતી પ્રતિ કલાકની ર કિમીની રહી હતી.


