વેરાવળ પીપલ્સ બેંકને ઝટકો બેંક બોર્ડનાં ચુંટાયેલા ડીરેકટર ચિરાગ કારીયાને દૂર કરવાનો નિર્ણય રદ કરતા રાજય રજીસ્ટ્રાર
સહકારી કાયદાની જાેગવાઈનો ભંગ થયાની રાજય રજીસ્ટ્રારે ગંભીરતાથી નોંધ લીધી : રાજય રજીસ્ટ્રારનાં હુકમ બાદ સહકારી ક્ષેત્રમાં ભારે ગરમાવો
ગીર સોમનાથ તા. ૧૧
વેરાવળની વિવાદીત પીપલ્સ બેંકને રાજય રજીસ્ટ્રાર ગાંધીનગરે મોટો ઝટકો આપ્યો છે. બેંક બોર્ડનાં ચુંટાયેલા ડીરેકટર ચિરાગ કારીયાને દૂર કરવાનાં નિર્ણયને રદ કરતો હુકમ જારી કરતા સહકારી ક્ષેત્રમાં હલચલ મચી જવા પામી છે. આ અંગે પ્રાપ્ત થતી વિગત અનુસાર વેરાવળની વિવાદીત પીપલ્સ બેંકનાં ચુંટાયેલા ડીરેકટર ચિરાગ કારીયાને દૂર કરવાનો નિર્ણય કરાયો હતો. બેંકની વ્યવસ્થાપક કમીટીએ સત્તા બહાર આ નિર્ણય લીધો હતો. દરમ્યાન આ બાબતે ચિરાગ કારીયાએ રજુઆત કરી હતી અને બેંકની અનિયમીતતા અને આરબીઆઈ નિયમોનાં ઉલ્લંઘન મુદે અવાજ ઉઠાવ્યો હતો. તેમજ પોતાને ગેરકાયદેસર રીતે પદ પરથી દૂર કરવામાં આવ્યા હોવાનો ચિરાગ કારીયાએ આક્ષેપ પણ કર્યો હતો. દરમ્યાન ચિરાગ કારીયાની રજુઆતને ધ્યાને લઈ અને બેંક બોર્ડનાં ચુંટાયેલા ડીરેકટર ચિરાગ કારીયાને દૂર કરવાનાં નિર્ણયને આખરે રજીસ્ટ્રાર દ્વારા રદ કરવામાં આવ્યો હતો. રાજય રજીસ્ટ્રારે બેંક બોર્ડની કાર્યવાહીને નિયમ વિરૂધ્ધ ગણાવી હતી. દરમ્યાન રાજય રજીસ્ટ્રારનાં હુકમ બાદ સહકારી ક્ષેત્રમાં ભારે ગરમાવો આવ્યો છે. બીજી તરફ ચિરાગ કારીયાએ સત્યનો વિજય થયો હોવાનો હુંકાર કર્યો હતો. આ તકે બેંક દ્વારા તાકીદે બોર્ડ મીટીંગ બોલાવી અને આગામી નિર્ણય લેશે તેમ બેંકનાં ચેરમેન પ્રકાશ તન્નાએ જણાવ્યું હતું.

ડાયરેક્ટર: ચિરાગ કારિયા

ચેરમેન : પ્રકાશ તન્ના


