વેરાવળમાં વ્યાજખોરોના ત્રાસથી યુવકે ઝેર પીને આત્મહત્યા કરી: બે વ્યાજખોરો સામે ફરિયાદ

એક્ટિવા પડાવી લઈ ફોન પર અવારનવાર ધમકીઓ આપતા હોવાનો આક્ષેપ; પઠાણી ઉઘરાણી અને દબાણથી કંટાળી ૩૩ વર્ષીય હિમાંશુ સોલંકીએ અંતિમ પગલું ભર્યું

વેરાવળમાં વ્યાજખોરોના ત્રાસથી યુવકે ઝેર પીને આત્મહત્યા કરી: બે વ્યાજખોરો સામે ફરિયાદ

(રાકેશ પરડવા દ્વારા)
વેરાવળ તા.૮
વેરાવળ શહેરના ૮૦ ફૂટ રોડ પર સુદામા કોમ્પ્લેક્સ નજીક રહેતા અને નિવૃત્ત જીવન જીવતા ભગવાનભાઈ હમીરભાઈ સોલંકી (આહીર)ના ૩૩ વર્ષીય પુત્ર હિમાંશુ સોલંકીએ વ્યાજખોરોના અસહ્ય માનસિક ત્રાસ અને પઠાણી ઉઘરાણીથી કંટાળીને પોતાના ઘરે રસોડામાં ઝેરી દવા ગટગટાવી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે. સારવાર દરમ્યાન યુવકનું મોત નીપજતાં પરિવારજનો ઉપર આભ તૂટી પડ્યું છે. આ મામલે મૃતકના પિતાએ બે વ્યાજખોરો સામે એસ.પી., ગીર સોમનાથને સંબોધીને એફ.આઈ.આર. નોંધાવવા લેખિત અરજી કરી છે.
ઘટનાની વિગત અનુસાર, ગત તા. ૧૯/૦૬/૨૦૨૬ના રોજ બપોરના આશરે ૨:૩૦ વાગ્યાની આસપાસ ફરિયાદી ભગવાનભાઈ પોતાની શાંતિપુરા સ્થિત વાડીએ હતા ત્યારે તેમના ભત્રીજા અશોકનો ફોન આવ્યો હતો. તેણે જણાવ્યું હતું કે હિમાંશુએ ઘરમાં રસોડામાં ‘રોગર‘ નામની ઝેરી દવા પી લીધી છે. પરિવારજનો તેને તાત્કાલિક વેરાવળ સરકારી હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં તેની હાલત નાજુક હોવાથી વધુ સારવાર અર્થે વેરાવળની શ્રીજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જોકે, સારવાર કારગર ન નીવડતા મોડી રાત્રે આશરે ૩:૦૦ વાગ્યે હિમાંશુનું મોત નીપજ્યું હતું.
એક્ટિવા પણ બળજબરીથી પડાવી લીધું હતું
મૃતકના પિતાના જણાવ્યા મુજબ, હિમાંશુ કરજમાં આવી ગયો હતો અને તેણે ઊંચા વ્યાજે રૂપિયા લીધા હતા. પુત્રના અવસાન બાદ પરિવારને જાણવા મળ્યું હતું કે આરોપીઓએ વ્યાજની પઠાણી ઉઘરાણી માટે હિમાંશુનું હોન્ડા એક્ટિવા (RTO રજી. નં. GJ-32-L-9991) બળજબરીપૂર્વક પડાવી લીધું હતું. આ ઉપરાંત આરોપીઓ તેના મોબાઈલ નંબર  પર અવારનવાર ધમકીઓ આપીને આબરૂ જવાનો ભય બતાવતા હતા.
બે શખ્સો સામે ગુનો નોંધવા માગણી
આ મામલે કરણ પટેલ  અને વિજય વઢાવી ઉર્ફે લાલો (રહે. વેરાવળ નામના બે વ્યાજખોરો સામે નામજોગ ફરિયાદ કરવામાં આવી છે. ઊંચા વ્યાજે નાણાં આપી પઠાણી ઉઘરાણી કરી હિમાંશુને મરવા મજબૂર કર્યો હોવાનો આક્ષેપ પરિવાર દ્વારા કરવામાં આવ્યો છે.