માંગરોળમાં ટાવર ગ્રાઉન્ડ પાસે કિંમતી એવી ૭૨૦૦ ચો.મી. જમીન ખુલ્લી કરાઈ

માંગરોળમાં ટાવર ગ્રાઉન્ડ પાસે કિંમતી એવી ૭૨૦૦ ચો.મી. જમીન ખુલ્લી કરાઈ

(નિલેશ રાજપરા દ્વારા)
માંગરોળ તા.૭
માંગરોળમાં વહિવટી તંત્રએ અનધિકૃત દબાણો દુર કરવા કાર્યવાહી હાથ ધરી ટાવર ગ્રાઉન્ડ પાસે કિંમતી એવી ૭૨૦૦ ચો.મી. જમીન ખુલ્લી કરાવી છે. શહેરમાં ટાવર તાલુકા શાળા નજીક કરવામાં આવેલી પેશકદમી દુર કરવા બાબતે તંત્ર દ્વારા ગત તા.૨૫-૪-૨૫ના રોજ ઠરાવ કરાયો હતો. ત્યારબાદ લાંબા સમયથી દબાણકારોને આ દબાણો દૂર કરવા નોટીસો આપવામાં આવી હતી. દરમ્યાન ગત સપ્તાહે સાત દિવસમાં બાંધકામમાં રહેલો સામાન ખસેડી લેવા પણ નોટીસ આપી તાકીદ કરવામાં આવી હતી. આખરે પોલીસ બંદોબસ્ત અને પીજીવીસીએલની ટીમ સાથે મામલતદાર તથા ન.પા. ટીમોએ જેસીબીની મદદથી બે રહેણાંક મકાનોના દબાણો દૂર કર્યા હતા. તંત્રની કાર્યવાહીની એક તરફ પ્રશંસા થઈ રહી છે તો બીજી તરફ શહેરમાં અનેક જગ્યાએ વર્ષોથી થયેલા ગેરકાયદે દબાણો પર જેસીબી, બુલડોઝર ક્યારે ધણધણશે અને પેધી ગયેલા ભૂમાફિયાઓ પર કયારે તંત્રની તવાઈ ઉતરશે ? તેવા લોકોમાંથી સવાલો ઉઠયા છે.