વંથલી ખાતે કિશોરી મેળો – ૨૦૨૬: સુપોષિત, સશક્ત અને આર્ત્મનિભર કિશોરીઓ માટે માર્ગદર્શન
જૂનાગઢ, તા.૧૯
જૂનાગઢ જિલ્લાના વંથલી આઈ.સી.ડી.એસ. ઘટક કચેરી અને મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા ‘પૂર્ણા યોજના‘ હેઠળ સશક્ત અને સુપોષિત કિશોરી બનાવવા માટે કિશોરી મેળો – ૨૦૨૬ અને વાનગી નિદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
મેળા દરમ્યાન કિશોરીઓને આરોગ્ય, પોષણ, સ્વચ્છતા અને વ્યક્તિગત હાઈજીન અંગે જાગૃતિ આપવામાં આવી હતી. તેમજ જીવન કૌશલ્ય તાલીમ હેઠળ કિશોરીઓને મુશ્કેલ પરિસ્થિતિઓમાં આત્મવિશ્વાસથી આગળ વધવાની કળા, કાયદા અને શિક્ષણ-કારકિર્દી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.
મહિલા અને બાળ વિકાસ વિભાગની ટીમ દ્વારા કિશોરીઓને મહિલાઓલક્ષી યોજનાઓ, સખી વન સ્ટોપ સેન્ટર, અને મહિલા-બાળ અધિકાર વિશે સમજણ આપવામાં આવી. બાળક સુરક્ષા એકમ દ્વારા કિશોરીઓને માનસિક ફેરફાર, ખરાબ આદતો, અને સોશિયલ મીડિયા સાથે થતા જાેખમોની જાણકારી આપવામાં આવી. SBI લીડ બેંક, જૂનાગઢના ગોહેલ દ્વારા કિશોરીઓને સુરક્ષિત નાણાકીય વ્યવહાર અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. સાથે જ વિવિધ ગામોમાંથી આવેલી કિશોરીઓના પોષણ સ્તર જેવા હિમોગ્લોબિનનું મૂલ્યાંકન પણ કરવામાં આવ્યું અને કિશોરીઓએ પોતાના અનુભવો રજૂ કર્યા. પ્રોગ્રામ અંતે કિશોરીઓને પ્રોત્સાહિત કરીને આ મેળો સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો. તેમ વંથલી બાળ વિકાસ યોજના અધિકારીની યાદીમાં જણાવાયું છે.


