જૂનાગઢ ઉપલા દાતારના બ્રહ્મલીન પૂ.પટેલબાપુની ૩૬મી પુણ્યતિથીની ભવ્ય ઉજવણી થશે

જૂનાગઢ ઉપલા દાતારના બ્રહ્મલીન પૂ.પટેલબાપુની ૩૬મી પુણ્યતિથીની ભવ્ય ઉજવણી થશે

જૂનાગઢ, તા.૧૯
ઉપલા દાતાર બ્રહ્મલીન મહંત પુ.પટેલબાપુની ૩૬મી પુણ્યતિથિ તા ૨૨ ફેબ્રુઆરી રવિવારના રોજ ભવ્ય રીતે ઉજવવા જગ્યાના મહંત ભીમબાપુ દ્વારા સમાધિ પૂજન બપોરે મહાપ્રસાદ અને રાત્રિના ભવ્ય સંતવાણીના કાર્યક્રમોનું અનેરૂ આયોજન કરવામાં આવ્યું છે. 
જૂનાગઢ કોમી એકતાના પ્રતીકસમી ઉપલા દાતારની ધાર્મિક જગ્યાના બ્રહ્મલીન મહંત પૂજ્ય પટેલબાપાની ૩૬મી પુણ્યતિથિની તા.૨૨ રવિવારના રોજ વહેલી સવારથી ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે સમગ્ર દાતારની જગ્યાને વિવિધ રંગબેરંગી પુષ્પો તેમજ ફુગ્ગાઓ તેમજ દ્રાક્ષ  દ્વારા  સુશોભિત કરવામાં આવશે તેમજ અહીંના વર્તમાન મહંત પૂજ્ય ભીમબાપુ તેમજ દાતાર સેવકગણ દ્વારા બ્રહ્મલીન મહંત પૂજ્ય પટેલબાપુની સમાધિ તેમજ પૂજ્ય વિઠ્ઠલબાપુની સમાધિ ઉપર પવિત્ર દ્રવ્યો જેવા કે દૂધ,ગંગા  જળ, ગુલાબ જળ અબીલ, ગુલાલ, ચંદન તેમજ પુષ્પો તેમજ વિદ્વાન બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ અને પવિત્ર મંત્રોચાર કરી પૂજન-અર્ચન કરવામાં આવશે. 
આ  પ્રસંગે એક સુંદર મજાના હવનનું પણ આયોજન કરવામાં આવશે. હવનમાં અનેક દાતાર સેવકો દ્વારા પવિત્ર હુતદ્રવ્યો દ્વારા આહુતિ આપી ધન્ય બનશે તેમજ અહીંના મહંત પૂજ્ય ભીમબાપુ દ્વારા પધારેલ સર્વે ભાવિકો માટે સુંદર મજાના ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવશે, આ પ્રસંગે પધારેલ ભક્તજનો અને દાતાર સેવકો પૂજન અર્ચન તેમજ મહાપ્રસાદ તેમજ દાતારબાપુના દર્શનનો લાભ લઇ ધન્ય બનશે. 
આ  પ્રસંગે રાત્રીના ભવ્ય સંતવાણીમાં નામી કલાકારો ભજનની રમઝટ બોલાવશે, સવારે યજ્ઞ અને પટેલબાપુની સમાધીનપૂજન અને બપોરે મહાપ્રસાદ અને રાત્રીના ભવ્ય ભજન સંતવાણીના કાર્યક્રમનું આયોજન મહંત શ્રી ભીમબાપુ દ્વારા જાહેર જનતા તેમજ સર્વે ભક્તજનો ને પધારવા ભાવભર્યું નિમંત્રણ છે. 

જૂનાગઢની કોમી એકતાનું પ્રતિક

 ‘સત ધરમને શીલતા, વીર દાતારી વિખ્યાત,
કાશી થી કન્યાકુમારી, મારું કાઠીયાવાડ પ્રખ્યાત

આપણાં જૂનાગઢમાં એક એવી જગ્યા આવેલી છે કે, જ્યાં નથી કોઈ મંદીર કે નથી કોઈ મસ્જીદ, છતાં પણ બંને કોમના લોકો અહીં ખુબજ શ્રધ્ધાપુર્વક દર્શન કરવા ઉમટી પડે છે. આ કોમી એક્તાના અનોખા પ્રતિક સમાન જગ્યા એટલે કે ગરવા ગીરનાર પર્વતની બાજુમાં આવેલા પર્વત પર આવેલ ઉપલા દાતાર. ઉપલા દાતાર જવા માટે આશરે ૨૯૦૦ જેટલા પગથીયા છે. આ જગ્યા પર બિરાજમાન મહંતોનો ઉજળો ઈતિહાસ રહ્યો છે. અહીં બિરાજમાન સંતો આસન સિધ્ધ મહંતો કહેવાય છે. એક વખત આસન પર બિરાજ્યા બાદ સંતો તેમની અંતિમ ઘડી સુધી આ જગ્યા છોડીને જતા નથી અને આ પર્વતની નીચે પણ ઉતર્યા નથી. વર્ષો સુધી આ જગ્યા પર રહીને જ દાતાર બાપુની સેવાપૂજા કરે છે.

ઉપલા દાતારનો ઈતિહાસ

જમિયલ શાહ દાતારના નામથી ઓળખાતા સંત અહી  બિરાજમાન થયા હતા. સંત જમીયલ શાહ ઈરાનના તૂસ શહેરના વતની હતા. પોતાના ગુરુના આદેશથી તેઓ રા’માંડલિકના સમયમાં ઇ.સ.૧૪૭૦ની આસપાસ જુનાગઢ આવ્યા હતા. તેઓ ઉદાર અને ઓલિયા પુરુષ હતા. તેઓ હિન્દુ અને મુસ્લિમને સમાન ગણતાં. આજે પણ તેમના ચિલ્લાને બંને કોમના લોકો આદર આપે છે. બંને કોમના લોકો અહીં દર્શનાર્થે આવે છે. જૂનાગઢનાં નવાબ પણ આ જગ્યા માટે ખૂબજ આસ્થા ધરાવતા હતા. ઉપલા દાતારના બ્રહ્મલીન સંત પૂજ્ય પટેલ બાપુએ પચાસ વર્ષ સુધી નિ:સ્વાર્થ આ જગ્યાએ સેવા કરી હતી, અને આ જગ્યાના મહંતપદે પણ રહ્યા હતા. સમગ્ર જીવનકાળ દરમ્યાન પટેલબાપુ કયારેય નીચે આવ્યા ન હતા. હાલમાં જ્યારે પટેલ બાપુની ૩૬ મી પુણ્યતિથિ ઉજવવામાં આવી રહી છે ત્યારે હિન્દુ-મુસ્લિમ બન્ને કોમના શ્રધ્ધાળુઓ તેમજ દાતાર બાપુના ભક્તો અને સેવકો પૂજ્ય બાપુની સમાધીના દર્શન કરવા ઉમટી પડે છે. દરેક શ્રધ્ધાળુઓ માટે વિશ્રામ તેમજ ભોજનની અનેરી વ્યવસ્થા ઉભી કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે સમગ્ર ભારત દેશમાં ખુબ ઓછી એવી જગ્યાઓ છે કે, જ્યાં બંને કોમના લોકો ભક્તિભાવ પૂર્વક દર્શનાર્થે જતા હોય. આ દાતારની જગ્યા કોમી એક્તાનું અનેરૂ ઉદાહરણ પુરૂ પાડે છે.