મેયરની ગેરહાજરી વચ્ચે જૂનાગઢ મનપાનું જનરલ બોર્ડ મળ્યું : વિપક્ષ આકરા પાણીએ

અગાઉનાં બજેટમાં દર્શાવેલા કામો પુરા કરાયા નથી ત્યાં નવી જાહેરાતો સામે રોષ : રસ્તા, ગટર, પાણી તેમજ પ્રાથમિક સુવિધાનાં પ્રશ્ને વિપક્ષે ઉગ્ર રજુઆત કરી

મેયરની ગેરહાજરી વચ્ચે જૂનાગઢ મનપાનું જનરલ બોર્ડ મળ્યું : વિપક્ષ આકરા પાણીએ

જૂનાગઢ તા. ૧૯
જૂનાગઢ મહાનગરપાલીકાના જનરલ બોર્ડની એક મહત્વની બેઠક આજે મળી છે. આ બેઠકમાં નોંધવા જેવી બાબત એ છે કે, મેયર ધર્મેશ પોશીયાની ગેરહાજરીમાં આ બેઠક મળી છે. આજની આ બેઠકની કાર્યવાહી દરમ્યાન તેમની ગેરહાજરી સુચક જણાતી હતી. આજે મળેલી આ બેઠકમાં તાજેતરમાં જ કમિશ્નર દ્વારા જે બજેટ મુકવામાં આવેલ હતું અને તે બજેટને સ્ટેન્ડિંગ કમિટીએ સુધારા-વધારા સાથેનું રજુ કર્યું હતું તે બજેટને ખાસ સર્વાનુમતે મંજુર કરવાની પ્રક્રિયા પણ કરવામાં આવી હતી. બીજી તરફ શાસક પક્ષ સામે વિરોધ પક્ષ-કોંગ્રેસ દ્વારા પ્રજાકીય પ્રશ્ને મોરચો ખોલ્યો હતો અને ખાસ તો ગત બજેટમાં જે ફાળવેલા કામો હજુ પુરા થયા નથી ત્યાં નવા કામોની જાહેરાત સામે પણ ભારે વિરોધ ઉઠાવ્યો હતો તેમજ રૂા.૬ કરોડના કરભારણ સામે પણ વિરોધ દર્શાવ્યો હતો. વિરોધપક્ષે પ્રજાકીય પ્રશ્ને પ્રશ્નોની જડી વરસાવી અને રજુઆતો કરી હતી. આ ઉપરાંત વિપક્ષનાં નેતા લલિત પણસારા તેમજ વિપક્ષ દ્વારા રસ્તા, પાણી, ગટર સહીતનાં પ્રશ્ને સવાલ ઉઠાવ્યા હતા. શાસક પક્ષની ઢીલી કામગીરી સામે નિશાન તાકતા વિપક્ષના નેતા લલિત પણસારાએ જણાવ્યંુ હતું કે, ગત બજેટમાં જે કામો અંગે જાહેરાત કરવામાં આવી હતી તેમાંથી મોટાભાગનાં કામો થયાજ નથી તેમજ રૂા.ર૭પ કરોડનાં કામો પૈકીનાં વર્કઓર્ડર  પણ થયા નથી.
 જૂનાગઢ શહેરની  જનતા, રસ્તા, પાણી, ગટર સહીતના પ્રશ્ને ભારે મુશ્કેલીઓ ભોગવી રહી છે.  પરંતુ શાસકો દ્વારા યોગ્ય કાર્યવાહી થતી નથી. કોર્પોરેશનને ડીજીટલાઈઝેશન કરવાની કામગીરી આઠ માસમાં પુરી કરવાની હતી પરંતુ આજે બે વર્ષ જેવો સમય થયો છતાં પણ જે તે એજન્સી કામ કરી શકી નથી. જેને કારણે લોકોને ઓનલાઈન સેવાનો લાભ મળતો નથી. ગત બજેટમાં ફાળવવામાં આવેલા કામો પુરા કર્યા નથી અને નવા કામોની જાહેરાત કરવામાં આવે છે તેની સામે પણ વિપક્ષે ભારે આક્રોશ વ્યકત કર્યો હતો. જૂનાગઢ મનપાનાં ૧પ વોર્ડમાં પ્રત્યેક વોર્ડનાં રૂા.૭ કરોડ કામો માટે ફાળવવામાં આવેલ જેમાં પણ કાપ મુકી અને માત્ર રૂા.દોઢ કરોડની જ ફાળવણી થતાં મોટાભાગનાં વોર્ડમાં રસ્તા સહીતનાં કામો કરવામાં બજેટ ઓછું થતું હોય જે બાબતે પણ રજુઆત કરવામાં આવી છે. આ ઉપરાંત શહેરમાં સુકો અને ભીનો કચરો એકત્રીત કરવા માટે ગાડીઓ ફરે છે. લોકોને આ મુજબ કહેવામાં આવે છે પરંતુ ડમ્પીંગ સાઈટ ખાતે નિયમોનો ઉલાળીયો કરી કાર્યવાહી થતી હોવાનો આક્ષેપ વિપક્ષનાં નેતા લલિત પણસારાએ કર્યો છે તેમજ ડમ્પીંગ સાઈટ ખાતે મૃત પશુઓને બાળવાને બદલે ફેંકી દેવામાં આવે છે અને ભઠ્ઠી પણ બંધ હોય તે બાબતે પણ રજુઆતો કરી હતી. શાસક પક્ષ દ્વારા મસમોટી જાહેરાતો કરાઈ છે પરંતુ જાહેરાત મુજબનાં કામો કરવામાં ઉણા ઉતરે છે. તેમજ વિકાસ કામો માટે સરકાર પાસેથી વધુ ગ્રાન્ટ મંજુર કરાવી શકતું નથી તેવો આક્ષેપ પણ કરેલ છે. જૂનાગઢ મનપાનાં જનરલ બોર્ડની આજે મળેલી બેઠકમાં વિપક્ષ કોંગ્રેસ દ્વારા પ્રજાકીય પ્રશ્ને રજુઆતો કરી હતી.