શું અંબાણી ભારતના અસલી બોસ છે ? ઈલોન મસ્કના ટ્વિટથી વિવાદ

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મસ્કની પોસ્ટને રિટ્વિટ કરી : દેશના રાજકીય વર્તુળોમાં ભારે હલચલ

શું અંબાણી ભારતના અસલી બોસ છે ? ઈલોન મસ્કના ટ્વિટથી વિવાદ

ન્યુયોર્ક,તા.૯:
વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ ઈલોન મસ્ક ભારતમાં તેમની સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા ‘સ્ટારલિન્ક‘ શરૂ કરવાના મુદ્દે ચર્ચામાં છે. ૮ ઑક્ટોબરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X‘ પર એક પોસ્ટમાં, મસ્કે ભારતના પ્રભાવશાળી ઉદ્યોગપતિઓ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે ભારતના અમુક ‘ઓલિગાર્ક્સ‘ (પ્રભાવશાળી ઉદ્યોગપતિઓ) સ્ટારલિન્કની સેટેલાઇટ કમ્યુનિકેશન સેવા શરૂ કરવામાં અવરોધ ઊભો કરી રહ્યા છે. ઉદ્યોગપતિ મુકેશ અંબાણીનું નામ લેતા, ઈલોન મસ્કે નોંધ્યું હતું કે સ્ટારલિકે વિશ્વભરના લગભગ ૧૬૫ દેશોમાં લાયસન્સ મેળવી લીધા છે. તેમણે જણાવ્યું હતું કે તેમની કંપનીએ ભારતીય સરકારના તમામ નિયમો અને કાયદાઓનું પાલન કરવા તેમજ જરૂરી લાયસન્સ મેળવવા માટે લગભગ પાંચ વર્ષ કામ કર્યું છે. મસ્કે સવાલ કર્યો કે આટલા પ્રયાસો છતાં ભારતમાં લાયસન્સ કેમ આપવામાં નથી આવી રહ્યું ? તેમણે વધુમાં પૂછયું, શું અંબાણી ભારતના અસલી બોસ છે ?
મસ્કના નિવેદને દેશના રાજકીય વર્તુળોમાં હલચલ મચાવી દીધી છે. લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ મસ્કની પોસ્ટને રીટ્વીટ કરી અને પરોક્ષ રીતે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ ટિપ્પણી કરી, ઈલોન મસ્ક, ભારતમાં તમારું સ્વાગત છે. જ્યાં સુધી તમે પેલા બીજા માણસ વિશે જાણો નહીં ત્યાં સુધી રાહ જુઓ.‘‘ રાહુલ ગાંધીનો આ કટાક્ષ ગૌતમ અદાણી માટે હોવાનું લાગી રહ્યું છે.