ટ્રમ્પે ભારતની ચૂંટણી પ્રણાલીની પ્રશંસા કરી

ટ્રમ્પે ભારતની ચૂંટણી પ્રણાલીની પ્રશંસા કરી

વોશિંગ્ટન તા.૧૮
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે ભારતની ચૂંટણી વ્યવસ્થાનો હવાલો આપતા ‘સેવ અમેરિકા એક્ટ’ પાસ કરવાની અપીલ કરી છે.
ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર પોસ્ટમાં લખ્યું- આ મહિનાની શરૂઆતમાં, ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે અમારા પ્રશાસનને પૂછ્યું હતું કે અમેરિકામાં માન્ય ફોટો ID વિના ચૂંટણી કેવી રીતે થઈ શકે છે?
ટ્રમ્પે આગળ કહ્યું- આપણે હવે સેવ અમેરિકા એક્ટ પસાર કરવો પડશે. ટ્રમ્પે અમેરિકી ચૂંટણી પ્રક્રિયાને વધુ કડક બનાવવા પર ભાર મૂક્યો. તેમનું કહેવું છે કે તેનાથી અમેરિકી ચૂંટણીઓની સુરક્ષા અને વિશ્વસનીયતા વધશે.
સેવ અમેરિકા એક્ટ અમેરિકામાં મતદાર નોંધણી અને મતદાન સંબંધિત નિયમોને વધુ કડક બનાવતો એક કાયદાકીય પ્રસ્તાવ છે. આ અંતર્ગત, મતદાર નોંધણી સમયે નાગરિકતાનો દસ્તાવેજી પુરાવો અને મતદાન સમયે ફોટો ID બતાવવું ફરજિયાત રહેશે.
આ બિલમાં પોસ્ટ દ્વારા મતદાન કરવાની પ્રક્રિયાને ઘણી મર્યાદિત કરવાની વાત પણ કહેવામાં આવી છે. આ બિલ અમેરિકી પ્રતિનિધિ સભામાંથી પસાર થઈ ચૂક્યું છે, પરંતુ સેનેટમાં તેને હજુ સુધી મંજૂરી મળી નથી.