જૂનાગઢનાં ખામધ્રોળમાં બે પરિવારો વચ્ચે મારામારી : સામસામી ફરીયાદ

જૂનાગઢનાં ખામધ્રોળમાં બે પરિવારો વચ્ચે મારામારી : સામસામી ફરીયાદ
AI Image

(ક્રાઈમ રીપોર્ટર દ્વારા)
જૂનાગઢ તા.૧૯
જૂનાગઢના ખામધ્રોળ રોડ પર બે પરિવારો વચ્ચે મારામારી થતા સામસામે પોલીસ ફરીયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર જૂનાગઢ તાલુકા પોલીસ મથકે પુર્વશીબેન નવીનચંદ્ર ફલીયાએ લક્ષ્મીબેન હેમંતભાઈ ભારાઈ, હેતવીબેન હેમંતભાઈ ભારાઈ અને પ્રીન્સ હેમંતભાઈ ભારાઈ વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદીની દીકરી દ્રષ્ટી તેમના પાડોશમાં જમવા માટે કઢી બનાવેલ હોય જેથી એક વાસણમાં કઢી લેવા માટે ગયેલ હતી ત્યારે પાડોશમાં રહેતી દીકરી આસ્થા પણ કઢી લેવા માટે આવેલ હતી અને બંન્ને વાસણમાં કઢી લઇ જતી હતી ત્યારે આસ્થાની ડીશ પડી જતા દ્રષ્ટી તથા આસ્થાએ સામસામે દાંત કાઢેલ ત્યારે ત્યાં બાજુમાં રહેતા આરોપી હેતવીબેન પોતાના ઘર પાસે ઉભા હોય જેથી તેઓને લાગેલ કે મારી સામે જોઇને દાંત કાઢેલ છે તેમ સમજી ફરીયાદીના ઘરે આવી ફરીયાદીની ડેલીને પાટુ મારી ખોલી નાંખેલ અને તેમની પાછળ લક્ષ્મીબેને પણ પથ્થરનો બ્લોક લઇ આવતા પાડોશીઓએ બ્લોક મુકાવી દેતા લક્ષ્મીબેને ફરીયાદી સાથે ઝઘડો કરી જપાજપી કરી વાળ પકડી ફરીયાદીનાં ઘરની બારી સાથે ભટકાવતા બારીનો કાચ તુટી ગયેલ અને ફરીયાદીને તેના ઘરની ઓસરીમાં પછાડી દઇ ફરીયાદીના ડાબા પગ ઉપર બેસી ગયેલ અને ફરીયાદીએ પહેરેલ કપડા ફાડી નાંખેલ અને ફરીયાદીની દીકરી પોતાના ઘરની જાળી બંધ કરી ૧૧૨ને ફોન કરતી હતી ત્યારે આ કામનાં આરોપી હેતવીબેને ફરીયાદીના ઘરનો જાળીનો દરવાજો ખોલી દ્રષ્ટીને કાઠલો પકડી ઓસરીમાં લાવી પછાડી દઇ ઢીકા પાટુનો માર મારતા ફરીયાદી તથા ફરીયાદીની દીકરી દ્રષ્ટીએ દેકારો કરતા આજુબાજુના માણસો વચ્ચે પડી છોડાવવા આવતા આરોપી પ્રિન્સે ફરીયાદીની ડેલી પાસે ઉભો રહી છોડાવવા આવતા પાડોશીઓને કહેલ કે લેડીઝનો મામલો છે અને છોડાવવાની ના પાડેલ અને અન્ય આરોપીઓએ ફરીયાદી અને ફરીયાદીની દિકરીને મારમારી ગાળાગાળી કરી હતી. આ ઝપાઝપીમાં સોનાની બુટી પડી પણ ગયેલ તેમજ ફરીયાદીની પુત્રીને ઈજાઓ કર્યાની ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરેલ છે. જયારે સામાપક્ષે લક્ષ્મીબેન હેમંતભાઈ ભારાઈએ આ કામનાં આરોપી પુર્વશીબેન નવીનચંદ્ર ફલીયા અને દ્રષ્ટી નવીનચંદ્ર ફલીયા વિરૂધ્ધ નોંધાવેલ ફરીયાદમાં જણાવેલ કે, આરોપી પુર્વશીબેન ફરીયાદી સાથે અવાર નવાર ગાળાગાળી કરતા હોય જેથી ફરીયાદીએ આરોપીઓ પોતાના ઘર પાસે રસ્તામાં આવેલ ત્યારે શું કામે તમે ગાળાગાળી કરો છો ? તેમ કહેતા આરોપી નં.૧નાએ ફરીયાદી સાથે ગાળાગાળી કરી હતી જેથી ફરીયાદીએ ગાળો બોલવાની ના પાડતા આરોપીઓએ ઉશ્કેરાઈ જઈ ફરીયાદી તથા ફરીયાદીની પુત્રીને મારમાર્યાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.