ભવનાથમાં શ્રી દતાત્રેય ગરબી મંડળની બાળાઓનાં પ્રાચીન રાસ-ગરબા આકર્ષણનું કેન્દ્ર
શહેરીજનો મોટી સંખ્યામાં રાસોત્સવ નિહાળવા ઉમટી પડયા
જૂનાગઢ તા. ૧૯
જૂનાગઢ શહેરના દત્તાત્રેય ચોક, ભવનાથ ખાતે શ્રી દત્તાત્રેય ગરબી મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રીના પાવન પર્વ દરમ્યાન અહીં માતાજીની આરાધના, પરંપરાગત રાસ-ગરબા અને ધાર્મિક ઉત્સાહનો અનોખો માહોલ જાેવા મળી રહ્યો છે. ગરબી મંડળની બહેનો દ્વારા વિવિધ પરંપરાગત રાસ સાથે ભુવા રાસ રમઝટ બોલાવી હતી. ખાસ કરીને ભુવા રાસની રજૂઆત દરમ્યાન પ્રાચીન લોકપરંપરા અને ધાર્મિક સંસ્કૃતિની ઝલક જાેવા મળી હતી. ઉપસ્થિત લોકોએ આ પરંપરાગત રાસની રજૂઆત નિહાળી આનંદ અને ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. નવરાત્રીની ઉજવણીની રીતોમાં પણ અનેક પરિવર્તનો આવ્યાં છે, પરંતુ પ્રાચીન ગરબીની આગવી ઓળખ આજે પણ લોકોના હૃદયમાં જીવંત છે. પ્રાચીન ગરબીમાં માત્ર રાસ-ગરબાની રમઝટ જ નથી હોતી, પરંતુ તેની પાછળ માતાજી પ્રત્યેની અખૂટ શ્રદ્ધા, પેઢી દર પેઢી જળવાતી પરંપરા અને સમાજને સંસ્કૃતિ સાથે જાેડવાની ભાવના રહેલી છે. આવી ગરબી મંડળો આપણી જૂની પરંપરાઓને સાચવીને નવી પેઢી સુધી પહોંચાડવાનું મહત્ત્વપૂર્ણ કાર્ય કરી રહ્યાં છે. શ્રી દત્તાત્રેય ગરબી મંડળ દ્વારા યોજાતો નવરાત્રી મહોત્સવ પણ આ જ સાંસ્કૃતિક વારસાને જીવંત રાખવાનો સુંદર પ્રયાસ છે. માતાજીની આરાધના, ભક્તિભાવ, પરંપરાગત રાસ અને સામૂહિક ઉત્સાહથી દત્તાત્રેય ચોક, ભવનાથ ખાતે નવરાત્રીનો માહોલ ભક્તિમય બની રહ્યો છે. પ્રાચીન પરંપરાનો વારસો જાળવી રાખી તેમજ ગોરવપૂર્ણ રીતે શકિતની આરાધનાનાં પર્વને પૂર્ણ ભકિતભાવથી રજુ કરતા બાળાઓનાં રાાસ-ગરબા નિહાળવા એ અમુલ્ય લ્હાવો છે. માતાજી સ્વરૂપે રજુ થતા બાળાઓનાં રાસ નિહાળવા માનવ મહેરામણ ઉમટી પડે છે.



