ખંભાળિયા રહેણાંક મકાનમાં થયેલી ઘરફોડ ચોરી પ્રકરણનો આરોપી ઝડપાયો : રૂા.૯.૧૨ લાખનો મુદ્દામાલ કબજે
(પ્રતિનિધિ દ્વારા)
જામ ખંભાળિયા તા.૧૩
ખંભાળિયા નજીકના શક્તિનગર વાડી વિસ્તારમાં તાજેતરમાં એક રહેણાંક મકાનમાં સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમ સહિત લાખો રૂપિયાના મુદામાલની ઘરફોડ ચોરીનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો હતો. આને અનુલક્ષીને ખંભાળિયા પોલીસે કરેલી તાકીદની કાર્યવાહીમાં આરોપી એવા ભત્રીજાને ઝડપી લઇ, કુલ રૂા.૯.૧૨ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ચકચારી બનાવની વિગત મુજબ ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં આવેલા પાંચ વાડી ખાતે રહેતા ગોવિંદભાઈ વાલજીભાઈ નકુમ નામના ૩૬ વર્ષના સતવારા યુવાન ગત તા.૪ ઓક્ટોબરના રોજ સુરત ખાતે ગયા હતા. ત્યારે પાછળથી તેમના બંધ મકાનના રસોડાની બારીઓ તોડી રૂમના દરવાજા પાસેનો આગડીયો કાપી, અને કોઈ તસ્કરોએ રૂમમાં રહેલા કબાટમાંથી રૂા.૧.૪૦ લાખની રોકડ રકમ, સોના-ચાંદીના દાગીના સહિત કુલ રૂા.૭.૭૦ લાખ જેટલા મુદ્દામાલની ચોરી કરીને લઈ ગયા હોવાનું પોલીસમાં જાહેર થયું હતું. આ બનાવ બનતા અહીંના જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ અહીંના એ.એસ.પી. પ્રખર કુમાર તથા ખંભાળિયાના પી.આઈ. સી.આર. રાણાના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસની જુદી જુદી ટુકડીઓએ તસ્કરોને ઝડપી લેવા માટે વિવિધ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. આ પોલીસ કાર્યવાહી દરમિયાન પોલીસની ટીમે આ પ્રકરણમાં આ જ વિસ્તારમાં રહેતા ફરિયાદી પરિવારના કૌટુંબિક ભત્રીજા ઋત્વિક નીતિનભાઈ નકુમની અટકાયત કરી, આગવી ઢબે પૂછપરછ કરતા તેણે ઉપરોક્ત ચોરીની કબુલાત આપી હતી. આ પછી તેણે ચોરીના રૂા.એક લાખ ચાલીસ હજાર રોકડા તેમજ રૂા.૬.૦૬ લાખના સોનાના દાગીના તેમજ રૂા.૧.૬૫ લાખના આશરે એક કિલોગ્રામ જેટલા ચાંદીના દાગીના મળી કુલ રૂા.૯,૧૨,૦૬૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપી યુવાનને પૈસાની જરૂરત હોય, જેથી તેમના કુટુંબીકાકા ગોવિંદભાઈ નકુમ સુરત ગયા હોવાનું ધ્યાને આવતા તેણે ગત તા.૯ ના રોજ આ રહેણાંક મકાનની બાજુમાં આવેલી ઓરડીની બારીને લોખંડના હૂકથી ખોલીને તે ઓરડીમાંથી રસોડાની બારી તોડી અંદર પ્રવેશીને બંને સ્ટીલના આગરીયાને લોખંડ કાપવાના ગ્રાઈન્ડર મશીનથી કાપી નાખી કબાટમાંથી રોકડ રકમ તથા સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી હોવાનું પોલીસ સમક્ષ જણાવ્યું હતું.


