ખંભાળિયા પોલીસે બસમાંથી વિદેશી દારૂ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો

દારૂના ૯૪ ચપલા કબજે: અન્ય એક આરોપી વોન્ટેડ

ખંભાળિયા પોલીસે બસમાંથી વિદેશી દારૂ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો

(પ્રતિનિધિ દ્વારા)
જામ ખંભાળિયા તા.૧૨
દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચનાના અનુસંધાને ખંભાળિયા પોલીસ સ્ટેશનના પી.આઈ. સી.આર. રાણાના માર્ગદર્શન હેઠળ શુક્રવારે સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, તે દરમિયાન ચોક્કસ બાતમીના આધારે સુરતથી ખંભાળિયા તરફ આવતી સમય ટ્રાવેલ્સની બસને જૂના આર.ટી.ઓ. સર્કલ પાસે બ્રિજ નીચે જાહેર રોડ પર રોકી તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન બસમાંથી કાના નથુભાઈ ભોચિયા (ઉ.વ. ૨૩, રહે. રણજીતપુર, તા. કલ્યાણપુર)ના કબજામાંથી વિદેશી દારૂના રૂપિયા ૧૬,૦૭૪ ની કિંમતના સીલપેક ૯૪ ચપલા અને રૂા.૧૦,૦૦૦ની કિંમતનો એક મોબાઈલ ફોન મળી કુલ રૂા.૨૬,૦૭૪નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ કામગીરીમાં પી.એસ.આઈ. જે.ટી. ચાવડા તથા સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ જોડાયા હતા. પ્રાથમિક તપાસમાં દારૂ સુરતથી ખંભાળિયા તરફ લાવવામાં આવી રહ્યો હોવાનું સામે આવ્યું છે. આ બનાવમાં આરોપી કાના નથુભાઈ ભોચિયાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જ્યારે સુરત જિલ્લાના માંડવી તાલુકાનો આશિષ ચૌધરી નામનો શખ્સ પણ સંડોવાયેલો હોવાનું જાહેર થયું છે. જેથી પોલીસે ગુનો નોંધી, આરોપી આશિષને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. આ સમગ્ર કાર્યવાહી પોલીસ સ્ટાફના જેઠાભાઈ પરમાર અને અરજણભાઈ આંબલીયાની બાતમીના આધારે કરવામાં આવી હતી.