પ્રાચી તીર્થ ખાતે અમાસે મોક્ષ પીપળે પાણી રેડવા માનવ મહેરામણ ઉમટ્યો
મધરાત્રીથી જ પિતૃ તર્પણનો પ્રારંભ, ૧૦૮ પ્રદક્ષિણા સાથે પિતૃઓની શાંતિ-મોક્ષ માટે ભાવિકોએ કરી પૂજા-અર્ચના
(પ્રતિનિધિ દ્વારા)
પ્રાચી તીર્થ તા.૧ર
સુપ્રસિદ્ધ પ્રાચી તીર્થ પિતૃ તર્પણ અને શ્રાદ્ધવિધિ માટે આસ્થાનું મહત્વનું કેન્દ્ર માનવામાં આવે છે. આજે અમાસના પવિત્ર દિવસ નિમિત્તે પ્રાચી તીર્થ ખાતે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડતાં સમગ્ર તીર્થધામમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો ખાસ કરીને અહીં આવેલા સુવિખ્યાત મોક્ષ પીપળે પાણી રેડવા માટે મધરાત્રીથી જ ભાવિકોની અવરજવર શરૂ થઈ હતી. પિતૃઓની આત્માની શાંતિ અને સદગતિ માટે ભાવિકો પ્રાચી તીર્થ ખાતે પહોંચી સૌપ્રથમ પવિત્ર સ્થળે સંકલ્પ કરી મોક્ષ પીપળા ની પૂજા-અર્ચના કરે છે. ત્યારબાદ શ્રદ્ધાપૂર્વક મોક્ષ પીપળે જળ અર્પણ કરી પિતૃઓનું સ્મરણ કરવામાં આવે છે. ધામિર્ક માન્યતા મુજબ પ્રાચી તીર્થના મોક્ષ પીપળાનું પિતૃકાર્યમાં વિશેષ મહત્વ હોવાથી અમાસ તથા પિતૃકાર્યના દિવસોમાં અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે.મોક્ષ પીપળે પાણી રેડવાનું અનેરૂ મહત્વ હિંનદુ ધર્મની પરંપરામાં પીપળાના વૃક્ષને પવિત્ર માનવામાં આવે છે અને પિતૃ તર્પણ સાથે તેનું વિશેષ ધામિર્ક જોડાણ છે. પ્રાચી તીર્થના મોક્ષ પીપળા અંગે અનેક પૌરાણિક માન્યતાઓ પ્રચલિત છે.લોકમાન્યતા મુજબ અહીં મોક્ષ પીપળે જળ અર્પણ કરી પિતૃઓની શાંતિ અને સદગતિ માટે પ્રાર્થના કરવામાં આવે છે તેથી અમાસના દિવસે ખાસ કરીને પિતૃઓના સ્મરણાર્થે અહીં પાણી રેડવાની વિધિ કરવા માટે દૂર-દૂરથી ભાવિકો પ્રાચી તીર્થ પહોંચે છે. મોક્ષ પીપળે પાણી રેડ્યા બાદ ભાવિકો ૧૦૮ પ્રદક્ષિણા ફરી પિતૃઓની શાંતિ માટે પ્રાર્થના કરે છે. ત્યારબાદ પોતાની યથાશક્તિ પ્રમાણે બ્રાહ્મણોને દાન-દક્ષિણા આપી પિતૃકાર્યની વિધિ પૂર્ણ કરે છે. પ્રાચી તીર્થ ખાતે પિતૃ તર્પણ ઉપરાંત વિવિધ પ્રકારની શ્રાદ્ધવિધિ અને પિતૃકાર્ય પણ કરાવવામાં આવે છે. પિતૃ તર્પણની વિધિ પૂર્ણ કર્યા બાદ ભાવિકો પ્રાચી તીર્થમાં આવેલા શ્રી માધવરાયજી પ્રભુ અને લક્ષ્મીજી મંદિરના દર્શન કરી ધન્યતા અનુભવે છે. સાથે જ અહીં આવેલા શીતળા માતાજીના મંદિર તેમજ પ્રાચીન શિવ મંદિરોમાં પણ ભાવિકો શ્રદ્ધાપૂર્વક દર્શન-પૂજન કરે છે.પ્રાચી તીર્થમાં પવિત્ર સરસ્વતી પ્રવાહ, સરસ્વતી કુંડ, મોક્ષ પીપળો તથા વિવિધ પૌરાણિક મંદિરો આવેલા હોવાથી ધામિર્ક યાત્રા માટે તેનું વિશેષ મહત્વ છે. બજારમાં મેળા જેવો માહોલ અમાસ ના દિવસે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભાવિકો તીર્થધામ ખાતે પહોંચતા મંદિર વિસ્તાર ઉપરાંત પ્રાચી તીર્થના બજારમાં પણ ભારે ચહલપહલ જોવા મળી હતી. બજાર વિસ્તારમાં જાણે મેળો ભરાયો હોય તેવો માહોલ સર્જાયો હતો. વિવિધ દુકાનો અને વેપારીઓના કારણે બજારમાં લોકોની સતત અવરજવર જોવા મળી હતી.પિતૃઓના સ્મરણ અને તર્પણ માટે આવેલા ભાવિકોમાં શ્રદ્ધા સાથે ભક્તિભાવ જોવા મળ્યો હતો. પરિવારજનો સાથે આવેલા શ્રદ્ધાળુઓએ પિતૃઓ માટે તર્પણ, પૂજા-અર્ચના અને દાન-દક્ષિણા સહિતની ધામિર્ક વિધિઓ કરી હતી.પિતૃ તર્પણ માટે પ્રાચી તીર્થનું વિશેષ સ્થાન પ્રાચી તીર્થમાં પિતૃકાર્ય માટે વિવિધ ધામિર્ક વિધિઓ કરવામાં આવે છે. કર્મકાંડી બ્રાહ્મણો દ્વારા પિતૃ તર્પણ સહિતની શાસ્ત્રોક્ત વિધિઓ કરાવવામાં આવે છે. પિતૃઓના સ્મરણાર્થે અહીં આવતા શ્રદ્ધાળુઓ મોક્ષ પીપળે જળ અર્પણ કર્યા બાદ પિતૃઓની શાંતિ અને સદગતિ માટે પ્રાર્થના કરે છે.
આમ, અમાસના પવિત્ર દિવસે પ્રાચી તીર્થ ખાતે મોક્ષ પીપળે પાણી રેડવા ઉમટેલા માનવ મહેરામણથી સમગ્ર તીર્થધામ ભક્તિ અને આસ્થાના રંગે રંગાઈ ગયું હતું. પિતૃઓના સ્મરણ સાથે કરવામાં આવેલી ધામિર્ક વિધિઓથી તીર્થધામમાં દિવસભર ધામિર્ક માહોલ છવાયેલો રહ્યો હતો.
(તસ્વીર : જાદવભાઈ ચુડાસમા)


