જૂનાગઢ ST વિભાગનો નિયમભંગ સામે સપાટો, ઓગસ્ટમાં રૂ.૧.૦૮ લાખથી વધુ દંડ વસૂલાયો
ટિકિટ વગર મુસાફરી કરતા ૨૫ મુસાફરો ઝડપાયા, ગંદકી ફેલાવનારા ૪૮૭ સામે કેસ; નો-પાર્કિંગમાં ૨૫ વાહનો ડિટેઇન
જૂનાગઢ, તા.૧૧
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના જૂનાગઢ વિભાગ દ્વારા ઓગસ્ટ-૨૦૨૬ દરમિયાન મુસાફરોની સુરક્ષા, નિયમોના પાલન અને બસ સ્ટેશન પર સ્વચ્છતા જાળવવા માટે વિવિધ નિયમભંગ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અલગ-અલગ કાર્યવાહીમાં કુલ રૂ.૧,૦૮,૧૮૫નો દંડ વસૂલવામાં આવ્યો હોવાનું વિભાગ દ્વારા જણાવાયું છે.
વિભાગીય નિયામક વી.બી. ડાંગરના જણાવ્યા અનુસાર મુસાફર પાસેથી રૂ.૨૫ લીધા બાદ ટિકિટ નહીં આપવાનો એક કિસ્સો સામે આવ્યો હતો. આ મામલે સંબંધિત કંડક્ટર સામે નિગમના ધારાધોરણ મુજબ ખાતાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ ઉપરાંત ટિકિટ લીધા વગર બસમાં મુસાફરી કરતા કુલ ૨૫ મુસાફરો ઝડપાયા હતા. તેમની સામે સ્થળ પર જ દંડાત્મક કાર્યવાહી કરીને કુલ રૂ.૮,૦૫૦નો દંડ વસૂલવામાં આવ્યો હતો.
સ્વચ્છતાના નિયમોના ભંગ સામે પણ વિભાગે કાર્યવાહી કરી હતી. જૂનાગઢ વિભાગ હેઠળના કુલ ૯ ડેપોમાં ધુમ્રપાન કરનારા તેમજ બસ અને બસ સ્ટેશન વિસ્તારમાં પાન-માવો ખાઈ પિચકારી મારી ગંદકી ફેલાવનારા કુલ ૪૮૭ લોકો સામે કેસ કરવામાં આવ્યા હતા. તેમની પાસેથી કુલ રૂ.૭,૨૩૫નો દંડ વસૂલવામાં આવ્યો હતો.
આ સાથે નો-પાર્કિંગના નિયમનો ભંગ કરનારા વાહનચાલકો સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. વિભાગના વિસ્તારમાં કુલ ૨૫ વાહનો ડિટેઇન કરીને તેમની પાસેથી રૂ.૯૨,૯૦૦નો દંડ વસૂલવામાં આવ્યો હતો.
આમ, ટિકિટ વગરની મુસાફરી, ગંદકી અને નો-પાર્કિંગ સહિતના નિયમભંગ બદલ ઓગસ્ટ દરમિયાન જૂનાગઢ ST વિભાગે કુલ રૂ.૧.૦૮ લાખથી વધુનો દંડ વસૂલ્યો છે. વિભાગે મુસાફરોને ટિકિટ મેળવીને જ મુસાફરી કરવા, નિયમોનું પાલન કરવા અને બસ તથા બસ સ્ટેશન પર સ્વચ્છતા જાળવવા અપીલ કરી છે. આગામી દિવસોમાં પણ નિયમભંગ કરનારાઓ સામે કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે તેમ વિભાગીય નિયામક વી.બી. ડાંગરની અખબારી યાદીમાં જણાવાયું છે.


