રાષ્ટ્રીય વન શહીદ દિવસે CM ભૂપેન્દ્ર પટેલે વન શહીદોને અર્પી શ્રદ્ધાંજલિ
ગાંધીનગર તા.11
૧૧મી સપ્ટેમ્બર ‘રાષ્ટ્રીય વન શહીદ દિવસ’ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર સ્થિત ‘વન શહીદ મેમોરિયલ’ ખાતે પહોંચીને ફરજ દરમિયાન શહીદ થયેલા વનકર્મીઓને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા તથા રાજ્ય મંત્રી પ્રવીણકુમાર માળી પણ ઉપસ્થિત રહી વન શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
વન અને વન્યજીવોની સુરક્ષા દરમિયાન ફરજ બજાવતા વનરક્ષક, વનપાલ અને પરિક્ષેત્ર વન અધિકારીઓ સહિતના ફ્રન્ટલાઇન સ્ટાફની શહાદતના સન્માનમાં દર વર્ષે ૧૧ સપ્ટેમ્બરે ‘રાષ્ટ્રીય વન શહીદ દિવસ’ ઉજવવામાં આવે છે. વન શહીદોના બલિદાનને યાદ કરવાની સાથે નાગરિકોમાં વન અને વન્યજીવોના સંરક્ષણ પ્રત્યે સંવેદનશીલતા વધારવાના ઉદ્દેશ્ય સાથે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં વર્ષ ૧૯૮૧થી અત્યાર સુધી વન અને વન્યજીવોના રક્ષણ દરમિયાન શહીદ થયેલા ૧૧ વનકર્મીઓની શહાદતનું સ્મરણ કરી તેમની ફરજનિષ્ઠાને બિરદાવી હતી.
તાજેતરમાં ગેરકાયદેસર લાકડાની હેરફેર અટકાવવાની કામગીરી દરમિયાન શહીદ થયેલા વ્યારાના પરિક્ષેત્ર વન અધિકારી વિકાસભાઈ દેસાઈના પરિવારજનોને મુખ્યમંત્રી રૂબરૂ મળ્યા હતા. તેમણે પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી આર્થિક સહાયરૂપે રૂ.૫૦ લાખનું બેનિવોલન્ટ ફંડ અર્પણ કર્યું હતું.
આ ઉપરાંત તા.૬ જુલાઈ, ૨૦૨૬ના રોજ સિંહ સાથેના ઘર્ષણ દરમિયાન ઇજાગ્રસ્ત થયેલા વનકર્મી કાળુભાઈ બોઘાભાઈ પરમારનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીના હસ્તે તેમને રૂ.૨ લાખની સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં ધારાસભ્ય રીટાબેન પટેલ, શહેર સંગઠન પ્રમુખ ડૉ. આશિષભાઈ દવે, વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ આર. સી. મીના, અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ ડૉ. જયપાલ સિંહ તેમજ ઓલ ઇન્ડિયા ફોરેસ્ટ એસોસિયેશનના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. હિમાચલ પ્રદેશ, ઝારખંડ, ઓડિશા અને ઉત્તરાખંડના વન વિભાગના મહાનુભાવો સહિત મોટી સંખ્યામાં વનકર્મીઓ પણ કાર્યક્રમમાં જોડાયા હતા. અંતે ઉપસ્થિત સૌએ બે મિનિટનું મૌન પાળી વન શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.


