ગોમતી નદીમાં ગેરકાયદે માછીમારી પર પ્રતિબંધ

ગોમતી નદીમાં ગેરકાયદે માછીમારી પર પ્રતિબંધ

(પ્રતિનિધિ દ્વારા)
દ્વારકા તા. 28
દ્વારકા યાત્રાધામમાં આવેલ દ્વારકાધીશ મંદિરે દેશભરમાંથી મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવતા હોય જગતમંદિર નજીક વહેતી ગોમતી નદીમાં બહોળી સંખ્યામાં યાત્રીકો સ્નાનાર્થે આવતા હોય છે. આ પવિત્ર નદીમાં અવાર-નવાર અસામાજિક તત્ત્વો દ્વારા ગેરકાયદે માછીમારી કરવામાં આવતી હોવાની અને તેના લીધે શ્રધ્ધાળુઓની ધાર્મિક લાગણી દુભાતી હોવાની અને સ્નાનાર્થે આવેલ મહિલાઓ ક્ષોભજનક પરસ્થિતિમાં મુકાવાની શકયતાને કારણે ગોમતી નદીમાં ગેરકાયદેસર માછીમારી પર પ્રતિબંધ મૂકવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, દેવભૂભિ દ્વારકાને ભારતીય ન્યાય સંહિતાના કાયદાની કલમ 163 હેઠળ મળેલ સત્તાની રૂએ જાહેરનામુ પ્રસિધ્ધ કર્યુ છે. જે અનુસાર ગોમતી નદી પર સંગમનારાયણ મંદિરથી જૂના ગોમતી ઘાટ તથા નવા ગોમતી ઘાટ, કીર્તિ સ્તંભથી દ્વારકાધીશ મંદિર પાર્કિંગ સુધી તથા ગોમતી નદીના સામા કિનારે લક્ષ્મીનારાયણ પંચનદ તીર્થ (પંચકુઈ) મંદિરના નજીકના કિનારાથી 100 મીટર ત્રિજયાથી લઈ ગોમતી નદીનો પ્રવાહ સમુદ્રમાં મળે ત્યાં સુધી ગોમતી નદીના બંને કિનારે તમામ પ્રકારની બોટ /હોડી તથા પગડીયા માછીમારો દ્વારા માછીમારી કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો  છે.
આ જાહેરનામું તા.23-07-2026 સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર વ્યકિત વિરૂધ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ અન્વયે કાનુની કાર્યવાહીને પાત્ર થશે.