દ્વારકાધીશ મંદિર આસપાસ તમાકુ ઉત્પાદનોના વેચાણ-સેવન પર પ્રતિબંધ અંગે જાહેરનામું
(પ્રતિનિધિ દ્વારા)
દ્વારકા તા. 28
દ્વારકા ખાતે શ્રી દ્વારકાધીશ મંદિરે દર્શનાર્થે આવતા યાત્રાળુઓના આરોગ્ય પર તમાકુયુકત નશીલા પદાર્થોના વેચાણના કારણે અપ્રત્ય અસર થતી જાેવા મળે છે. આ નશીલા પદાર્થોનું સેવન કરતા લોકો દ્વારા પાન-મસાલા, તમાકુ, ગુટખાનું સેવન કરી મંદિર પરિસર તથા તેના આજુબાજુના વિસ્તારોમાં થૂંકીને ગંદકી ફેલાવવાનું ધ્યાને આવતા તેના કારણે પોલીસ અધિક્ષક દેવભૂમિ દ્વારકા દ્વારા દરખાસ્ત કરેલ. જે અન્વયે જિલ્લા પોલીસ અધિક્ષકના હકારાત્મક અભિપ્રાયને ધ્યાનમાં લઈને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા હેઠળ મળેલ સત્તાની રૂએ જાહેરનામું પ્રસિધ્ધ કર્યુ છે. જે અનુસાર દ્વારકાધીશ મંદિર દ્વારકાની 100 મીટરની ત્રિજયા સુધીના વિસ્તારમાં પાન-મસાલા, તંબાકુ, ગુટખા, સિગરેટ વગેરેના વેચાણ, ખરીદી અને સેવન પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. આ જાહેરનામું તા.23-07-2026 સુધી અમલમાં રહેશે જેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
દ્વારકાધીશ મંદિર આસપાસ ભિક્ષુકો - ફેરીયાઓ પર પ્રતિબંધ
દ્વારકાના જગતમંદિર ખાતે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓની અવર-જવર રહેતી હોય જેને ધ્યાને રાખી મંદિર આસપાસના વિસ્તારમાં ભિક્ષુકો તથા ફેરીયાઓને કારણે ભાવિકોને અવર-જવર કરવામાં મુશ્કેલી, ભકિતમય વાતાવરણમાં વિક્ષેપ, સુરક્ષા વ્યવસ્થામાં ખલેલ, ટ્રાફીક તથા વ્યવસ્થાપન સબંધિત સમસ્યાઓ ઊભી ન થાય તે માટે અને ફેરીયા / ભિક્ષુકોની આડમાં ચોરી અને લૂંટ થતી રોકવા પોલીસ અધિક્ષક દેવભૂમિ દ્વારકા દ્વારા મંદિરની આસપાસ ભિક્ષુકો તથા ફરતા ફેરીયાઓ પર પ્રતિબંધ મૂકવા જાહેરનામું પ્રસિધ્ધ કરવા દરખાસ્ત કરવામાં આવેલ છે. આ જાહેરનામા મુજબ દ્વારકાધીશ મંદિર દ્વારકાની 100 મીટરની ત્રિજ્યામાં ભિક્ષુકો તથા ફરતા ફેરીયાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ જાહેરનામું તા.23-07-2026 સુધી અમલમાં રહેશે જેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.


