ખંભાળિયામાં ટાઉનહોલ ખાતે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ કાર્યક્રમ યોજાયો
વિસ્થાપિત પરિવારના સભ્યોએ પોતાની સ્મૃતિ વર્ણવી : રાજ્યસભાના સાંસદ જીતેન્દ્રભાઈ કણજારિયા સહિત મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ
(પ્રતિનિધિ દ્વારા)
દ્વારકા તા.૧૭
૧૫મી ઓગસ્ટ ૧૯૪૭ના દિવસે આપણા દેશને આઝાદી મળી પરંતુ એ પહેલા વિભાજનરૂપી કરુણાંતિકા સર્જાઈ તેની સ્મૃતિ માટે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ ઉજવવામાં આવે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાની વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની ઉજવણી ખંભાળિયામાં નગરપાલિકા ટાઉનહોલ ખાતે યોજાઈ હતી. રાજ્યસભા સાંસદ જીતેન્દ્રભાઈ કણજારિયાએ ઉદબોધનમાં જણાવ્યું હતું કે, વિભાજનરૂપી આ કરૂણાંતિકાનો ઇતિહાસ આપણે સૌ યાદ રાખીએ અને તેનું પુનરાવર્તન ન થવા દઈએ એ આ ઉજવણીનો સંદેશ છે. વધુમાં તેમણે રાષ્ટ્રીય ગૌરવ અપમાન નિવારણ વિધેયક ૨૦૨૬ દ્વારા વંદેમાતરમને કાયદાકીય સન્માન આપવા બદલ વડાપ્રધાનનો આભાર વ્યક્ત કર્યો હતો. વંદેમાતરમ્ ગાન દ્વારા શરૂ થયેલા આ કાર્યક્રમમાં વિભાજનમાં વિસ્થાપિત થયેલા લોકોના અનુભવો અને તેમની સફર દર્શાવતી દસ્તાવેજી ફિલ્મ દર્શાવવામાં આવી હતી. સાંઈ દત્ત સેવા ટ્રસ્ટ, દ્વારકા દ્વારા વિભાજનની વેદના દર્શાવતું નાટક રજૂ કરવામાં આવ્યું હતું. વિભાજન સમયે વિસ્થાપિત થયેલ પરિવારમાંથી આવતા ખંભાળિયાના સામાજિક અગ્રણી ધીરેનભાઈ બદીયાણીએ પોતાની સ્મૃતિઓ વર્ણવી હતી. તેમણે જણાવ્યું હતું કે, તેમના દાદાનો પરિવાર કરાંચી સ્થિત જોડિયા બજારમાં રહેતો અને તેઓ બોમ્બે બજારમાં લાકડાને લાગતો બિઝનેસ હતો જેમાં જોડિયા બંદર અને પોરબંદર ખાતે વ્યાપારી સંબંધો હતા. અચાનક હિંસા અને અસ્થિરતા થતા સૌ સપરિવાર નીકળેલા અને સલાયા બંદર ખાતે ઉતરેલા. અહીં તે સમયના અગ્રણીઓ હરિભાઈ નકુમ, મુળુભાઇ બરછા, કેશુભાઈ જોશી અને સ્થાનિકોએ આશ્રય આપીને મદદ કરી હતી. પછીથી અહીંયા ધંધો શરૂ કરેલો. ત્યાંની સમૃદ્ધિ કરતા અહીંની નવી શરૂઆત અને સંઘર્ષ વધુ મીઠો લાગતો કારણ કે ત્યાં અશાંતિ અને નફરત હિંસાનું તંગ વાતાવરણ હતું અને અહીંયા ભાઇચારા અને પ્રેમ તેમજ સ્વીકારનો અહેસાસ હતો. વિસ્થાપિત પરિવારના કમલેશભાઈ એ પોતાના દાદાના પરિવાર અને તેમને સહેલા વિભાજન વિશે વાત કરતા જણાવ્યું હતું કે, ૬ ભાઈ અને બહેનો સાથેનો પરિવાર પાકિસ્તાનમાં સીજાવલ ગામે રહેતા. ૬૦૦ વિધા જમીન અને સમૃદ્ધ જીવન હતું. હિંસાના વાતાવરણમાં ત્યાંથી ખૂબ ખરાબ રીતે કઢાયેલા પરિવાર આશ્રિત તરીકે અહીં આવેલો. દાદાના મોટાભાઈ એ જવાની ના પાડી તો તેમની ત્યાં સરાજાહેર હત્યા કરવામાં આવી. બાકીનો પરિવાર ત્યાંથી કોઈ રીતે અહીંયા પહોંચ્યો. આઠ ભાઈ બહેનોમાંથી એક દાદા બચ્યા. બાકી તમામ ટ્રેન અકસ્માત, બીમારી અન્ય કારણોને લીધે મૃત્યુ પામ્યા. ૧૪ વર્ષના તેમણે અહીં બિસ્કિટ વેચવાનું સામાન્ય કામ શરૂ કરીને સ્થાનિકોના સધિયારા સાથે ગુજરાન ચલાવ્યું. ત્યારબાદ ૧૯૫૩ રાવલ ખાતે સ્થાયી થયા. આવી વિપત્તિઓ બાદ પણ તેઓ હિંમત ન હાર્યાં. તેમણે રાવલ ખાતે પાણીની તંગીને નોંધીને પોતાના અભ્યાસને આધારે ડેમ બનાવવા પ્રયાસો આદર્યા અને સફળતા મેળવી મોટું સામાજિક પ્રદાન આપ્યું.


