જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં આવતીકાલે રક્ષાબંધન પર્વની ઉજવણી થશે
‘ભૈયા મેરે રાખી કે બંધન કો નિભાના,’ બજારોમાં રાખડીઓનું ધૂમ વેંચાણ
જૂનાગઢ તા. ર૭
જૂનાગઢ સહિત સૌરાષ્ટ્ર-ગુજરાત અને દેશભરમાં આવતીકાલે રક્ષાબંધન પર્વની ભારે ઉત્સાહ પુર્વક ઉજવણી કરવામાં આવશે. રક્ષાબંધન પર્વને લઈ બજારોમાં અવનવી અને આકર્ષક રાખડીઓનું ધૂમ વેચાણ થઈ રહયું છે. બહેનો પોતાના ભાઈને બાંધવા માટે રાખડીની ખરીદી કરી રહયા છે. પવિત્ર શ્રાવણ માસમાં તહેવારોના આગમન ટાંકણે બજારોમાં રોનક છવાઈ જાય છે. એક બાદ એક તહેવારોની લોકો ઉત્સાહ પુર્વક ઉજવણી કરી રહયા છે. બહેન અને ભાઈના પવિત્ર પ્રેમનાં પર્વ એવા રક્ષાબંધન પર્વની આવતીકાલ તા.ર૮ ઓગષ્ટ શુક્રવારનાં રોજ ઉત્સાહમય રીતે ઉજવણી કરવામાં આવનાર છે. રક્ષાબંધનનાં દિવસે બહેન પોતાના ભાઈને કુમકુમ તિલક કરી ચોખાથી વધાવી ભાઈને સુખ-સુવિધા પ્રાપ્ત થાય તેવા આશીર્વાદ પાઠવે છે. જયારે ભાઈ પણ પોતાની બહેનનાં સુખની કામના કરે છે. તેમજ બહેનની રક્ષા માટે કટીબધ્ધ બને છે. સદીઓથી રક્ષાબંધનનું પર્વ ઉજવવામાં આવે છે. રક્ષાબંધનના પર્વને ધ્યાને લઈ અનેક પ્રકારની અવનવી વેરાયટીવાળી રાખડીઓ બનાવવામાં આવે છે. સૌરાષ્ટ્રની બજારો આજે રાખડીઓથી ભરાઈ ગયેલી જાેવા મળે છે. રૂા.૧૦ થી લઈ રૂા.પ૦૦ સુધીની રાખડીઓ બજારમાં ઉપલબ્ધ છે. જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રની બજારોમાં રાખડીઓની ખરીદી દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટાપાયે થઈ રહી છે. નાના બાળકોથી લઈ તમામ વયનાં લોકોને પસંદ પડે તેથી સુંદર અને આકર્ષક રાખડીઓ બજારમાં મળી રહી છે. રક્ષાબંધન પર્વ પ્રસંગે શાળાઓમાં પણ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવનાર છે. ઉપરાંત નાની બાલિકા પોતાના ભાઈને રાખડી બાંધી કાલી કાલી ભાષામાં ભાઈનાં દુ:ખણા લેશે તો યુવાવય કે મોટી ઉંમરનાં બહેનો દ્વારા પણ પોતાનાં ભાઈને રાખડી બાંધી અને સુખ શાંતિની કામના કરશે. રક્ષાબંધન પર્વની જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં ઉત્સાહભેર ઉજવણી આવતીકાલે કરવામાં આવશે. આ તકે એક ખાસ બાબત એ પણ નોંધાવી જ રહી કે રક્ષાબંધનનાં પર્વ ઉપર પોષ્ટ વિભાગ દ્વારા રાખડી માટેના કવરોની ડીલીવરી જે તે જગ્યાએ પહોંચી જાય તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે તો ખાનગી આંગડીયા સર્વીસ દ્વારા પણ ઝડપી સુવિધા પુરી પાડવામાં આવી રહી છે.
શ્રાવણી પુર્ણિમા દરિયા દેવને વધાવવાની નાળીયેરી પૂનમ તરીકે ઓળખાય છે
વેદકાળથી જળને દેવ માની નદી, સમુદ્રની પૂજા, ઉપાસના કરવામાં આવે છે. આજીવિકા માટે દરિયો ખેડતા ખારવા, માછીમાર, ખલાસીઓ અને વહાણો દ્વારા દરિયા પારના દેશોમાં વેપાર અર્થે જતાં વેપારીઓ વગેરે દરિયાને પીરને દેવ માની વધાવે છે, પૂજે છે. સાગર ખેડુઓ વર્ષનો મોટો ભાગ દરિયા વચ્ચે રહે છે. પરંતુ ચોમાસાનાં આરંભે દરિયો તોફાની રહેવાથી અષાઢ સુદ બીજના દિવસે તેઓ વહાણ લઈ પાછા ફરે છે. તેમની પત્નીઓ દરિયા દેવને વધાવે છે અને તે દિવસથી દરિયો ખેડવાનું બંધ થાય છે. શ્રાવણી -નાળીયેરી પુર્ણિમાએ દરિયો શાંત બને છે. એટલે દરિયા દેવને નાળીયેરથી વધાવીને પુન: દરિયો ખેડવાનો આરંભ કરાઈ છે. આવતીકાલે દરિયા દેવની પૂજા કરાશે.
જનોઈ બદલવાની વિધી
શ્રાવણ સુદ-૧પ ને રક્ષાબંધન બળેવ પર્વ તરીકે મનાવવામાં આવે છે. આ દિવસે બહેન પોતાના ભાઈને રાખડી બાંધે તે મહત્વ તો છે જ સાથે જ શ્રાવણ સુદ-૧પ (રક્ષાબંધન)નાં દિવસે જનોઈ બદલવાની પણ વિધી કરવામાં આવે છે. શ્રાવણી પુર્ણિમાએ યજ્ઞોપવિત સંસ્કારનો પણ દિવસ છે. આવતીકાલે રક્ષાબંધનના પર્વ જનોઈ બદલવાની વિધી પણ ભાવભેર કરવામાં આવશે. ભૂદેવો-બ્રહ્મદેવો દ્વારા જનોઈ વિધી માટેના કાર્યક્રમો યોજાઈ રહયા છે. આ ઉપરાંત લોહાણા સમાજ તેમજ ક્ષત્રિયો કે જેઓએ યજ્ઞોપવિત ધારણ કરેલ છે. તે તમામ દ્વારા પણ શુભ મુહુર્તમાં જનોઈ બદલવાની વિધી કરવામાં આવશે.


