માળિયાહાટીના તાલુકામાં આરોગ્ય વિભાગ દ્વારા માતૃ અને બાળ સ્વાસ્થ્ય અંગે સઘન ઝુંબેશ

આંગણવાડી મુલાકાત, જૂથ ચર્ચા અને IEC પ્રચાર-પ્રસાર કરાયો

માળિયાહાટીના તાલુકામાં આરોગ્ય વિભાગ દ્વારા માતૃ અને બાળ સ્વાસ્થ્ય અંગે સઘન ઝુંબેશ

જૂનાગઢ,તા.૪
માળિયાહાટીના તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. ડાભીના માર્ગદર્શન હેઠળ તાલુકા આરોગ્ય ઓફિસ, માળિયા દ્વારા સમગ્ર તાલુકામાં સગર્ભા માતાઓ અને ધાત્રી માતાઓના સ્વાસ્થ્ય રક્ષણ તથા નવજાત શિશુની સંભાળ અર્થે વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી  હતી.
આ સઘન ઝુંબેશ અંતર્ગત આરોગ્ય વિભાગના મેડિકલ ઓફિસર (MO), આયુષ મેડિકલ ઓફિસર (AYUSH MO), ફીમેલ હેલ્થ વર્કર (FHW), કમ્યુનિટી હેલ્થ ઓફિસર (CHO) તથા આશા બહેનો (ASHA) દ્વારા વિવિધ ગામોની આંગણવાડીઓની રૂબરૂ મુલાકાત લેવામાં આવી રહી છે. આ મુલાકાત દરમિયાન સગર્ભા અને ધાત્રી માતાઓ સાથે સીધો સંવાદ સાધીને ગર્ભવતી મહિલાઓ અને નવજાત શિશુ માટે જરૂરી આરોગ્ય વિષયક માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યુ હતું.
માતાઓ અને પરિવારજનો સાથે જૂથ ચર્ચા યોજીને જન્મના પ્રથમ એક કલાકમાં સ્તનપાન (Early Initiation of Breastfeeding), પ્રથમ ૬ મહિના સુધી માત્ર ને માત્ર માતાનું ધાવણ, પોષણયુક્ત આહાર અને નિયમિત તપાસના મહત્વ વિશે સમજણ આપવામાં આવી રહી છે. તેમજ  શિશુની દેખભાળમાં પરિવારના સભ્યોનો સહયોગ વધે અને સ્તનપાન માટે માતાને પ્રોત્સાહક વાતાવરણ મળે તે માટે પરિવારજનો સાથે પણ વિશેષ ચર્ચા કરવામાં આવી રહી છે. સાથે સાથે આરોગ્ય વિષયક જાગૃતિ લાવવા માટે બેનરો, પત્રિકાઓ અને સોશિયલ મીડિયા માધ્યમો દ્વારા સઘન પ્રચાર-પ્રસાર (IEC) કરવામાં આવી રહ્યો છે.
આરોગ્ય વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે માતૃ અને શિશુ મૃત્યુદર ઘટાડવા તેમજ સગર્ભા અને નવજાત બાળકના સુદ્રઢ સ્વાસ્થ્ય માટે તમામ આરોગ્ય કર્મચારીઓના સહયોગથી આવી જાગૃતિ પ્રવૃત્તિઓ સળંગ ચાલુ રાખવામાં આવશે.