કેશોદ પંથકમાં દિવાળી ટાણે કમોસમી વરસાદને પગલે મગફળીના પાથરા તણાયા - ખેડૂતોની કફોડી સ્થિતિ
જુનાગઢ તા.૨
જૂનાગઢ જિલ્લામાં દિવાળીના તહેવારો ટાણે જ વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોની તમામ ગણતરીઓ ઊંધી વાળી દીધી છે. ખેતરોમાં લણણી કરીને રાખવામાં આવેલા તૈયાર પાક પર અચાનક માવઠું તૂટી પડતાં ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. કેશોદ તાલુકાના બાલાગામ, બામણાસા, પાળોદર અને અખોદર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં તેજ પવન સાથે ખાબકેલા એક ઇંચથી વધુ વરસાદના કારણે ખેતરોમાં રાખેલા મગફળીના પાથરા તણાઈ ગયા હતા અને પાણીમાં ડૂબી ગયા હતા. મગફળી ઉપરાંત સોયાબીન અને જુવાર જેવા અન્ય પાકો પણ પલળી જતાં ખેડૂતોની હાલત અત્યંત દયનીય બની છે.
બાલાગામના ખેડૂત હરસુખભાઈ જોટવાએ પરિસ્થિતિ વર્ણવતાં જણાવ્યું હતું કે, બપોર બાદ આવેલા ભારે વરસાદે સમગ્ર પંથકમાં વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે. ખેતરોમાં મગફળીનું હાવેર્સ્ટિંગ પૂર્ણ થઈ ગયું હતું અને માત્ર ઉપાડવાની બાકી હતી, ત્યાં જ કમોસમી વરસાદ ખાબક્યો હતો. ગયા વર્ષે પણ ખેડૂતોને પાક નિષ્ફળ જવાથી ફટકો પડ્યો હતો અને આ વર્ષે જ્યારે પાક સંપૂર્ણ તૈયાર થયો ત્યારે કુદરતે ફરી માર માર્યો છે. મોંઘા ભાવના ખાતર, દવા અને બિયારણ લાવીને મહામહેનતે પકવેલો પાક બરબાદ થતાં ખેડૂતો આર્થિક સંકટમાં મુકાઈ ગયા છે.
ખેડૂતોના જણાવ્યા મુજબ, પાકની સાથે પશુઓ માટેનો ઘાસચારો (ભૂકો) પણ પલળી જતાં મોટો આર્થિક ફટકો પડ્યો છે.
હાલ બજારમાં ઘાસચારાનો ભાવ પ્રતિ વીઘા રૂા.૫,૦૦૦થી રૂા.૬,૦૦૦ ચાલી રહ્યો છે, જે હવે સંપૂર્ણપણે સડી જતાં પશુપાલકો અને ખેડૂતોએ પશુઓ માટે બહારથી ઘાસચારો ખરીદવો પડશે. આ ઉપરાંત સતત પાણી ભરાઈ રહેવાથી મગફળી કાળી પડી ગઈ હોવાથી તેની ગુણવત્તા ખરાબ થઈ ગઈ છે. જેથી સરકારી ટેકાના ભાવના નિયમોમાં પણ તે સ્વીકાર્ય ન રહે તેવી ભીતિ સેવાઈ રહી છે.
બાલાગામના અન્ય ખેડૂત રાજેશભાઈ ડાભીએ ભારે આક્રોશ સાથે જણાવ્યું હતું કે, ખેતરોમાં ૯૯ ટકા તૈયાર પાક પલળી જતાં ૧૦૦ ટકા નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. આ માવઠાને લીધે ચાલુ વર્ષની દિવાળી તો બગડી જ છે, પરંતુ આવતા વર્ષે વાવણી માટે બિયારણની મગફળી પણ બમણા ભાવે ખરીદવી પડશે, જેના કારણે ખેડૂતો બે વર્ષ પાછળ ધકેલાઈ ગયા છે. આ વિસ્તારમાં પવનના કારણે જુવારનો પાક ઢળી પડ્યો છે અને સોયાબીન સાવ નિષ્ફળ ગયું છે. કમરતોડ નુકસાન સામે ઝઝૂમી રહેલા જગતના તાતે સરકાર સમક્ષ કોઈ પણ જાતના વિલંબ વિના વિશેષ ટીમો બનાવી નુકસાનીનો સર્વે કરાવી પૂરતું અને યોગ્ય વળતર ચૂકવવાની પ્રબળ માગ કરી છે.


