તહેવારોનાં દિવસોમાં સતત ટ્રાફીક જામનાં દ્રશ્યો જાેવા મળે છે : તંત્રની લાપરવાહી સામે રોષ
મજેવડી દરવાજા નજીક નવો બનેલો રસ્તો ખોલી નાખવા કોંગ્રેસનું અલ્ટીમેટમ
જૂનાગઢ તા. ૩
જૂનાગઢ શહેરમાં મજેવડી દરવાજાથી હીરોનાં શો-રૂમ સુધીનાં માર્ગની કામગીરી છેલ્લા ચાર દિવસથી પૂર્ણ થઈ ગઈ છે અને હાલ પાણીનો છંટકાવ પણ કરવામાં આવતો નથી ત્યારે આ રસ્તો શું કામ ખુલ્લો મુકવામાં આવતો નથી તેવા સવાલો ચર્ચાઈ રહયા છે.
આ દરમ્યાન આ રસ્તો આજ સાંજ સુધીમાં ખુલ્લો મુકવામાં નહી આવે તો કોંગ્રેસ દ્વારા જનતાને સાથે રાખી આવતીકાલે ખુલ્લો મુકી દેવામાં આવશે તેવી ચિમકી આપવામાં આવી છે.
આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર જૂનાગઢનાં મજેવડી દરવાજા વિસ્તારમાં રસ્તો બનાવવાની કામગીરી હાથ ધરાઈ હતી અને મજેવડી ગેટ પાસે નવા બનાવવામાં આવેલા સીમેન્ટ રસ્તાનું પાકુ કામ હાલ પુર્ણ થઈ ગયું છે અને છેલ્લા ચાર દિવસ થયા પાણી પીવડાવાનું કામ પણ બંધ કરી દેવામાં આવ્યું હોવા છતાં આ રસ્તો વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકવામાં આવ્યો નથી. નવરાત્રીથી લઈને અત્યાર સુધીમાં જૂનાગઢનો વેપાર - ધંધો અને ઉદ્યોગ અડધો ભાંગી ગયો છે તેમ છતાં શાસકો કે તંત્રને જાણે કોઈ પરવાહ ન હોય તેમ મુખ્ય રસ્તાના કામો ચાલતા જ રહે છે. દરમ્યાન મજેવડી દરવાજા થી હીરોનાં શો-રૂમ સુધીનાં માર્ગ ઉપર કામ ચાલતુ હોવાના કારણે છેલ્લા કેટલાક સમય થયા અહીંથી પસાર થતાં વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો આ દરમ્યાન રસ્તાની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. એક તરફ દિવાળીનાં તહેવારો નજીક આવી રહયા છે ત્યારે બહારગામથી આવતા વાહનો તેમજ પ્રવાસી જનતાની પણ અવરજવર વધી છે અને દિવસમાં અનેકવાર ટ્રાફીક જામ જેવી સ્થિતિ આ માર્ગ ઉપર સર્જાઈ રહી છે.
આ દરમ્યાન મનપા વિપક્ષ કોંગ્રેસનાં નેતા લલિત પણસારાએ જણાવ્યું હતું કે છેલ્લા ચાર દિવસ થયા પાણીનો છંટકાવ બંધ થઈ ગયો છે જેથી આ રોડ તૈયાર થઈ ગયો છે ત્યારે તેને તાત્કાલીક ખોલી નાખવા માંગણી કરી છે. આ ઉપરાંત વિપક્ષ કોંગ્રેસ તેમજ કોંગ્રેસ ટીમ દ્વારા તંત્રને અલ્ટીમેટમ આપવામાં આવેલ છે કે જાે આજ સાંજ સુધીમાં મજેવડી દરવાજા નજીકનો નવો બનેલો રસ્તો ખોલી નાખવામાં નહી આવે તો આવતીકાલે કોંગ્રેસ સમિતિનાં કાર્યકર્તાઓ જનતાને સાથે રાખી આ રસ્તો ખોલી નાખવામાં આવશે તેવી ચિમકી આપવામાં આવી છે.


