પોરબંદર જિલ્લા માહિતી કચેરી ખાતે સતર્કતા જાગૃતિ સપ્તાહની ઉજવણી

પોરબંદર જિલ્લા માહિતી કચેરી ખાતે સતર્કતા જાગૃતિ સપ્તાહની ઉજવણી

(પ્રતિનિધિ દ્વારા)
ગોસા(ઘેડ) તા.૩
રાજ્યમાં ભ્રષ્ટાચારના નિર્મૂલન સાથે સરકારી વહીવટી કામગીરીમાં પારદશિર્તા, પ્રામાણિકતા, નૈતિક મૂલ્યો અને જવાબદારીની ભાવનાને વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા તા.૩૧ ઓક્ટોબરથી તા.૬ નવેમ્બર, ૨૦૨૬ દરમિયાન ‘સતર્કતા જાગૃતિ સપ્તાહ-૨૦૨૬’ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ સપ્તાહના ભાગરૂપે પોરબંદર જિલ્લા માહિતી કચેરી ખાતે કર્મયોગીઓ દ્વારા ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ અને પ્રામાણિકતાના શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા. સતર્કતા જાગૃતિ સપ્તાહનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં ભ્રષ્ટાચાર સામે જાગૃતિ લાવવાનો, જાહેર જીવનમાં પ્રામાણિકતા અને નૈતિકતાનાં મૂલ્યોને પ્રોત્સાહન આપવાનો તથા સરકારી તંત્રમાં પારદર્શક અને જવાબદાર વહીવટી વ્યવસ્થાનું નિર્માણ કરવાનો છે. સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓ પોતાની કામગીરી દરમિયાન નિષ્ઠા, પ્રામાણિકતા અને જવાબદારીનું પાલન કરે તેવા સંકલ્પ સાથે આ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. 
આ પ્રસંગે પોરબંદર જિલ્લા માહિતી કચેરીના કર્મયોગીઓએ સરકારી કામગીરીમાં કોઈપણ પ્રકારના ભ્રષ્ટાચારને સ્થાન ન મળે, વહીવટી પ્રક્રિયાઓ પારદર્શક અને ન્યાયસંગત રહે તેમજ જાહેર જનતાને મળતી સેવાઓમાં પ્રામાણિકતા અને જવાબદારી જળવાઈ રહે તે માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. કર્મયોગીઓએ ભ્રષ્ટાચાર સામે જાગૃતિ ફેલાવવા, નૈતિક મૂલ્યોનું જતન કરવા અને સ્વચ્છ, પારદર્શક તથા જવાબદાર વહીવટી વ્યવસ્થાના નિર્માણમાં સક્રિય યોગદાન આપવા માટે શપથ લીધા હતા.
સરકારી તંત્રમાં પ્રામાણિકતા, પારદશિર્તા અને જવાબદારીની ભાવના વિકસે તે માટે આવા જાગૃતિ અભિયાનો મહત્ત્વપૂર્ણ સાબિત થાય છે. સતર્કતા જાગૃતિ સપ્તાહની ઉજવણી દ્વારા કર્મયોગીઓમાં નૈતિક ફરજ પ્રત્યેની જાગૃતિ વધે અને જનસામાન્યમાં ભ્રષ્ટાચાર સામે લડવાની ભાવના વધુ મજબૂત બને તેવો આશય વ્યક્ત કરવામાં આવ્યો હતો.