માંગરોળ પંથકમાં ગેરકાયદેસર ધમધમતી ખાણો પર તંત્રના દરોડા : ટ્રેકટર, કટર સહિતનો મુદ્દામાલ જપ્ત

માંગરોળ પંથકમાં ગેરકાયદેસર ધમધમતી ખાણો પર તંત્રના દરોડા : ટ્રેકટર, કટર સહિતનો મુદ્દામાલ જપ્ત

જુનાગઢ તા.૨૮
માંગરોળના દિવાસા ગામે ગેરકાયદેસર રીતે ધમધમી રહેલી ખાણખનીજની પ્રવૃત્તિઓ સામે વહીવટી તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. ગેરકાયદે ખાણો પર કેશોદના પ્રાંત અધિકારી રજની ઠુમ્મર દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.
આ કાર્યવાહી દરમિયાન સ્થળ પર ગેરકાયદેસર રીતે ચાલતી પ્રવૃત્તિઓ પકડી પાડવામાં આવી હતી અને ત્રણેય ખાણોમાંથી મુદ્દામાલ જપ્ત કરવાની સઘન પ્રક્રિયા હાથ ધરાઈ છે.
આ રેડ દરમ્યાન સંબંધિત સ્થળો પરથી ગેરકાયદેસર ખનનના કામમાં ઉપયોગમાં લેવાતા વાહનો અને અન્ય સાધનો કબજે કરવામાં આવ્યા છે. વહીવટી તંત્ર દ્વારા સ્થળ પરથી મુખ્યત્વે બે ટ્રેક્ટર અને ચાર સકડી એટલે કે કટર સહિતની યંત્ર સામગ્રી જપ્ત કરવામાં આવી છે. આ તમામ કબજે કરાયેલા મુદ્દામાલના આધારે આગળની કાયદેસરની કડક કાર્યવાહી હાલ વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.
આ પ્રકારની ગેરકાયદેસર ખણખનીજની પ્રવૃત્તિઓ થતી હોવાની ફરિયાદો અને માહિતી અવારનવાર મળતી હોય છે. કેશોદના પ્રાંત અધિકારી રજની મ્મરે જણાવ્યું હતું કે, આવી પ્રાપ્ત થતી સૂચનાઓ અને ફરિયાદોના આધારે જ તંત્ર દ્વારા અચાનક રેડ પાડવામાં આવે છે. વહીવટી અધિકારીઓ દ્વારા આ પ્રકારની તમામ ફરિયાદોની નિયમિતપણે ખરાઈ અને તપાસ કરવાની કામગીરી પણ સતત કરવામાં આવતી હોય છે.
જપ્ત કરવામાં આવેલા ગેરકાયદેસર મુદ્દામાલ અને ખણખનીજની કુલ કિંમત કેટલી થાય તે અંગે હાલમાં અંદાજ મેળવવાની પ્રક્રિયા ચાલી રહી છે. ખાણ-ખનીજ વિભાગ દ્વારા સ્થળ પર સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી રહી છે, અને આ સર્વે પૂર્ણ થયા બાદ જપ્ત કરાયેલ કુલ મુદ્દામાલની સત્તાવાર અંદાજિત બજાર કિંમત નક્કી કરીને જાહેર કરવામાં આવશે.