મહારાષ્ટ્રના નક્સલમુક્ત થયેલા વિસ્તારોનાં નાગરિકોનું પ્રતિનિધિ મંડળએરાજકોટના મહાત્મા ગાંધી મ્યુઝિયમ, વોટ્સન મ્યુઝિયમ સહિતના સ્થળોની મુલાકાત લઈ રાજકોટનાં ઐતિહાસિક વારસાને નિહાળ્યો

ગાંધીજીની ભૂમિ પર ગૌરવની અનુભૂતિ : "ગુજરાતે મહાત્મા ગાંધીજી અને પોતાનો સાંસ્કૃતિક, ઐતિહાસિક વારસો સાચવીને રાખ્યો, દેશના વિકાસ માટે એકતા-ભાઈચારાની ભાવના અને શાંતિ ખૂબ જરૂરી : પ્રતિનિધિ મંડળ

મહારાષ્ટ્રના નક્સલમુક્ત થયેલા વિસ્તારોનાં નાગરિકોનું પ્રતિનિધિ મંડળએરાજકોટના મહાત્મા ગાંધી મ્યુઝિયમ, વોટ્સન મ્યુઝિયમ સહિતના સ્થળોની મુલાકાત લઈ રાજકોટનાં ઐતિહાસિક વારસાને નિહાળ્યો

રાજકોટ તા.ર૮
આગામી ૩૧ ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા દિનની ભવ્ય ઉજવણી થનાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગરિમામયી ઉપસ્થિતિમાં યોજાનાર આ કાર્યક્રમમાં સમગ્ર દેશમાંથી લોકો ભાગ લેશે અને એકતાના શપથ લેશે.  આ રાષ્ટ્રીય પર્વને અનુલક્ષીને વિવિધ જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત  દેશનાં નક્સલમુક્ત થયેલા વિવિધ પ્રદેશનાં નાગરિકો ગુજરાતના પ્રવાસન અને ઐતિહાસિક સ્થળોની મુલાકાત લઈ રહ્યા છે. આ ઉપક્રમ હેઠળ આજે મહારાષ્ટ્રના નક્સલમુક્ત થયેલા વિસ્તારોમાંથી આવેલા નાગરિકોના એક મંડળે રાજકોટના વિવિધ પ્રવાસન સ્થળોની મુલાકાત લીધી હતી. ગુજરાત અને રાજકોટમાં થયેલા વિકાસ, અહીંના શાંતિપૂર્ણ માહોલ, કળા સંસ્કૃતિ અને ઐતિહાસિક વારસાનાં સંવર્ધનને જોઈને આનંદની લાગણી વ્યક્ત કરી હતી. મહારાષ્ટ્રમાંથી આવેલા આ ૧૧ જેટલા મુલાકાતીઓએ આજે બપોર પછી મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત લીધી હતી. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી જે સ્કૂલમાં ભણ્યા હતા, એ ઐતિહાસિક સ્થળની મુલાકાત લઈને તેઓએ ગૌરવની અનુભૂતિ કરી હતી. ગાંધીજીના જીવન પ્રસંગો, જીવન સંદેશ અને ૧૧ મહાવ્રતની ઝાંખી આપતી વિવિધ ગેલેરીઓમાંથી પસાર થતી વખતે આ પ્રતિનિધિમંડળ જાણે ગાંધીયુગના એ કાળખંડમાં ખોવાઈ ગયું હતું. "ગુજરાતે મહાત્મા ગાંધીજી અને પોતાનો સાંસ્કૃતિક, ઐતિહાસિક વારસો સાચવીને રાખ્યો છે  એ નિહાળીને ખૂબ આનંદ થાય છે", તેમ યવતમાળ જિલ્લાના ટાંકળી ગામના યુવક રામલખન રાઠોડે જણાવ્યું હતું. મહારાષ્ટ્રના જ ગોંદિયાના  આશિષ વંજારીયાએ કહ્યું હતું કે, "મહાત્મા ગાંધીએ જ્યાં અભ્યાસ કર્યો અને સત્યનું પાલન કરવાની દ્રઢતા જ્યાં કેળવાઈ, એ ભૂમિ પર આવવાનો અવસર મળ્યો એ અમારા માટે સૌભાગ્યની વાત છે. આ મ્યુઝિયમ આવનારી પેઢીને મહાત્મા ગાંધીનાં સિધ્ધાંતોની સમજ, સંદેશ તેમજ પ્રેરણા આપશે." "આ ભૂમિ પર આવીને ધન્યતા અનુભવું છું.." આ શબ્દો સાથે ચંદ્રપુર જિલ્લા મથકના રહીશ મંગેશ ભોંગાડેએ મહાત્મા ગાંધીજીના સત્યાગ્રહથી જે ગુજરાતની ધરતી પાવન થઈ છે, એ ભૂમિ પર આવવાની તક આપવા બદલ ગુજરાત સરકારનો હ્રદયપૂર્વક આભાર માન્યો હતો. આ મુલાકાતીઓએ રાજકોટ આવ્યા બાદ સૌ પ્રથમ વોટસન મ્યુઝિયમની મુલાકાત લીધી હતી. અહીં પ્રાગ ઐતિહાસિક કાળના અવશેષોથી લઈને સંગ્રહિત વિવિધ વસ્તુઓ, નમૂનાઓ તેઓએ રસપૂર્વક નિહાળ્યા હતા. એક જ મ્યુઝીયમમાં આટલો વૈવિધ્યસભર ઐતિહાસિક વારસો સચવાયો છે તે જોઈને આ સભ્યોએ આનંદ વ્યક્ત કર્યો હતો અને દેશમાં આ પ્રકારના મ્યુઝિયમ ઓછા હોવાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લાના દામપુર મોહદા ગામના સરપંચ તથા ખેડૂત નારાયણ વાઘમારેએ જણાવ્યું હતું કે, આ મ્યુઝિયમમાં ભારતના ઈતિહાસથી લઈને સાંસ્કૃતિક વૈવિધ્યની ઝાંખી જોવા મળે છે. આવા મ્યુઝિયમથી ઈતિહાસ જીવંત રહે છે. તે આપણા ઐતિહાસિક વારસાનું ગૌરવ કરાવે છે.  તેમણે રાજકોટના રોટરી ડોલ્સ મ્યુઝિયમની મુલાકાત પણ લીધી હતી. અહીં ૧૦૮ દેશની ૧૬૦૦થી વધુ ઢીંગલીઓના પ્રદર્શન અને તેના સંગ્રહ પાછળની અનોખી સ્ટોરીઝ સાંભળીને પ્રતિનિધિ મંડળે સાનંદ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. આ તકે ચંદ્રપુર જિલ્લાના જીવતી તાલુકા મથકના વેપારી ગોવિંદ ટોકરેએ જણાવ્યું હતું કે, આ એકદમ અનોખું મ્યુઝિયમ છે. અહીં ઢીંગલીઓના માધ્યમથી વિશ્વભરના વિવિધ સમાજની સંસ્કૃતિઓની ઝલક જોવા મળે છે. રાજકોટ અને ગુજરાતના અનુભવ વિશે વાત કરતા તેમણે કહ્યું હતું કે, અહીંની પ્રજા હળીમળીને ભાઈચારાથી અને શાંતિથી રહે છે અને દેશના વિકાસ માટે આવું વાતાવરણ જરૂરી છે. મહારાષ્ટ્રનાં નક્સલમુક્ત થયેલા વિસ્તારોનાં વેપારીઓ, જનપ્રતિનિધિઓ, અગ્રણી નાગરિકોનાં આ પ્રતિનિધિ મંડળે ગુજરાત અને રાજકોટમાં થયેલા વિકાસની પણ મુક્તમને પ્રશંસા કરી હતી. આગામી દિવસોમાં આ મુલાકાતીઓ સોમનાથ સહિતના સૌરાષ્ટ્રના વિવિધ સ્થળોની મુલાકાત લઈ કેવડિયા પરત ફરશે અને એકતા દિનની ઉજવણીમાં સામેલ થશે.