જૂનાગઢ સિવિલ હોસ્પિટલનો કાયાકલ્પ દર્દીઓની સેવામાં સુપર સ્પેશિયાલિટી સુવિધાઓનો થશે ઉમેરો, દિવાળી સુધીમાં રેડિયોલોજી વિભાગ સજ્જ થશે
જૂનાગઢ, તા.ર૮
સિવિલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે સારવાર અર્થે આવતા દર્દીઓ અને તેમના પરિજનોને કોઈ પણ પ્રકારની હાલાકી ન ભોગવવી પડે અને તેઓને ઉત્તમ તેમજ સમયસર તબીબી સેવાઓ મળી રહે તે માટે તબીબી અધિક્ષક શ્રી દ્વારા એક મહત્વપૂર્ણ આકસ્મિક રાઉન્ડ લેવામાં આવ્યો હતો. હોસ્પિટલના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર લેવાયેલા આ વિસ્તૃત રાઉન્ડ દરમિયાન દર્દીઓના હિતમાં અનેક મોટા અને દૂરોગામી ર્નિણયો લેવાયા છે, જે આગામી દિવસોમાં હોસ્પિટલનો ચહેરો બદલી નાખશે.
દર્દીઓની સુવિધા માટે લેવાયેલા મહત્વના ર્નિણયો
• નવા સાઈનેઝિસ (દિશા-નિર્દેશો) : હોસ્પિટલમાં આવતા દર્દીઓ કે તેમના સગાંઓને કોઈ વોર્ડ કે વિભાગ શોધવામાં મુશ્કેલી ન પડે તે માટે અલગ-અલગ વોર્ડ, આઈસીયુ (ICU) અને કેઝ્યુઆલિટી વિભાગમાં ટૂંક જ સમયમાં મોટા અને સ્પષ્ટ દિશા-નિર્દેશો (સાઈનેઝિસ) લગાડવામાં આવશે.
• તાત્કાલિક સારવાર વિભાગ (Casualty)નું વિસ્તરણ : ઇમરજન્સીમાં આવતા દર્દીઓને તાત્કાલિક અને વધુ સારી સારવાર મળી શકે તે માટે કેઝ્યુઆલિટી વિભાગનું ટૂંક સમયમાં મોટું એક્સપાન્શન (વિસ્તરણ) કરવામાં આવશે.
• મોડ્યુલર ઓપરેશન થિયેટર : કટોકટીના સમયમાં દર્દીઓનો કિંમતી જીવ બચાવી શકાય તે માટે તાત્કાલિક સારવાર વિભાગ ખાતે અત્યાધુનિક ‘મોડ્યુલર ઓપરેશન થિયેટર‘ ટૂંક સમયમાં કાર્યરત કરી દેવામાં આવશે.
રેડિયોલોજી વિભાગમાં આવશે ક્રાંતિ : MRI મશીનની કામગીરી તેજ
જૂનાગઢ અને આસપાસના ગરીબ તથા મધ્યમવર્ગીય દર્દીઓને મોંઘા નિદાન માટે બહાર ન જવું પડે તે માટે સિવિલ હોસ્પિટલમાં એમઆરઆઇ (MRI) મશીન લાવવાની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. તબીબી અધિક્ષકે રેડિયોલોજી વિભાગમાં MRI મશીનના ઇન્સ્ટોલેશન માટે તૈયાર થઈ રહેલી સાઈટની કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરી હતી.
સમયમર્યાદા : MRI મશીન માટેનું તમામ સિવિલ વર્ક (બાંધકામ) દિવાળી પહેલા પૂર્ણ કરી લેવામાં આવશે અને નવેમ્બર માસના અંત સુધીમાં આ મશીનનું ઇન્સ્ટોલેશન કરીને તેને જનતાની સેવામાં ખુલ્લું મૂકી દેવામાં આવશે.
સમગ્ર ટીમ સાથે વિવિધ વિભાગોની સર્વગ્રાહી સમીક્ષા
તબીબી અધિક્ષક શ્રી દ્વારા તેમની નિષ્ણાંત ટીમ સાથે હોસ્પિટલના તમામ ચાવીરૂપ વિભાગોની મુલાકાત લેવામાં આવી હતી, જેમાં નીચેના વિભાગોનો સમાવેશ થાય છે:
• ઓપીડી (OPD) અને કેસ બારી
• દવા બારી અને વહીવટી વિભાગ
• એમ.એલ.સી. (MLC) વિભાગ
• તાત્કાલિક સારવાર વિભાગ અને ટ્રોમા વોર્ડ
• સર્જીકલ આઈસીયુ (ICU)
રાઉન્ડમાં ઉપસ્થિત અધિકારીઓ : આ મહત્વપૂર્ણ નિરીક્ષણ દરમ્યાન આસિસ્ટન્ટ મેડિકલ સુપ્રીટેન્ડેન્ટ, નર્સિંગ સુપ્રીટેન્ડેન્ટ, AHA, આસિસ્ટન્ટ નર્સિંગ સુપ્રીટેન્ડેન્ટ, ફાયર સેફટી સુપરવાઇઝર, સેનેટરી ઇન્સ્પેક્ટર, સિક્યુરિટી ઇન-ચાર્જ તેમજ બાયોમેડિકલ એન્જિનિયર અને ઇલેક્ટ્રિશિયન સહિતના તમામ વિભાગીય વડાઓ હાજર રહ્યા હતા. તબીબી અધિક્ષકની આ સંવેદનશીલ અને સક્રિય કામગીરીથી જુનાગઢ સિવિલ હોસ્પિટલ આગામી દિવસોમાં દર્દીઓ માટે વધુ સુવિધાજનક અને આશીર્વાદરૂપ સાબિત થશે.


