જૂનાગઢના ચોકી ગામે તમાકુ જનજાગૃતિ અભિયાન: સગીરોને તમાકુ વેચવા સામે વેપારીઓને કડક સૂચના

શાળા પરિસરની ૧૦૦ મીટર ત્રિજ્યામાં તમાકુ ઉત્પાદનોના વેચાણ પર પ્રતિબંધ અંગે સમજ અપાઈ; પે-સેન્ટર શાળામાં ‘તમાકુ મુક્ત શાળા’ બોર્ડ લગાવાયું

જૂનાગઢના ચોકી ગામે તમાકુ જનજાગૃતિ અભિયાન: સગીરોને તમાકુ વેચવા સામે વેપારીઓને કડક સૂચના

જૂનાગઢ, તા.૨૩
જૂનાગઢ તાલુકાના ચોકી ગામે આયુષ્માન આરોગ્ય મંદિર દ્વારા તમાકુ જનજાગૃતિ અભિયાન અંતર્ગત વિશેષ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઝુંબેશ દરમિયાન ગામમાં તમાકુ તેમજ તેની બનાવટોનું વેચાણ કરતા તમામ દુકાનદારો અને વેપારીઓનો સીધો સંપર્ક કરીને સગીરોને આવી ચીજવસ્તુઓ ન વેચવા અંગે સ્પષ્ટ અને કડક સૂચનાઓ આપવામાં આવી હતી.
આ ડ્રાઇવ દરમિયાન આરોગ્ય વિભાગની ટીમે દુકાનો પર તમાકુ વિરોધી જાગૃતિ સ્ટીકરો લગાવ્યા હતા. સાથે જ દુકાનદારોને તમાકુ નિયંત્રણ કાયદા (COTPA)ની વિવિધ કાયદાકીય જોગવાઈઓનું પાલન કરવા અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ખાસ કરીને કોઈપણ શૈક્ષણિક સંસ્થાની આસપાસના ૧૦૦ મીટરના દાયરામાં તમાકુ ઉત્પાદનોનું વેચાણ ન કરવા અને ૧૮ વર્ષથી ઓછી ઉંમરના બાળકો કે કિશોરોને કોઈપણ સંજોગોમાં બીડી, સિગારેટ કે તમાકુ ન આપવા અંગે વેપારીઓને સખત તાકીદ કરવામાં આવી હતી.
આ ઉપરાંત ચોકી પે-સેન્ટર શાળા ખાતે ‘તમાકુ મુક્ત શાળા’ અંગેનું વિશેષ જાગૃતિ બોર્ડ પ્રદર્શિત કરવામાં આવ્યું હતું. શાળા પરિસરમાં વિદ્યાર્થીઓ અને સ્ટાફને તમાકુના સેવનથી શરીર અને આરોગ્ય પર થતા ગંભીર નુકસાન વિશે માહિતી આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓને પોતે કોઈપણ પ્રકારના વ્યસનથી દૂર રહેવા અને પરિવાર તેમજ આસપાસના લોકોને પણ તમાકુ છોડવા પ્રેરિત કરવા સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા.
આ સમગ્ર જનજાગૃતિ ડ્રાઇવ તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. જી.કે. ચાવડાના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી, જેમાં તાલુકા હેલ્થ સુપરવાઇઝર પી.એમ. શેખાત, મલ્ટી પર્પઝ હેલ્થ સુપરવાઇઝર ડી.એન. વાઘેલા તેમજ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર વી.એમ. કરમટાએ સક્રિય કામગીરી બજાવી હતી.