જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે સરકારી અધિકારી-કર્મચારીઓના ભૂલકાંઓ માટે સુસજ્જ ઘોડિયાઘરનો શુભારંભ

નાના ભૂલકાના હસ્તે જ ઘોડિયાઘર ખુલ્લું મુકાવતા કલેક્ટર યોગેશ ચૌધરી; મહિલા કર્મચારીઓ નિશ્ચિંત બની ફરજ બજાવી શકે તે માટે કરાઈ આધુનિક રમકડાં અને કેર ટેકરની વ્યવસ્થા

જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે સરકારી અધિકારી-કર્મચારીઓના ભૂલકાંઓ માટે સુસજ્જ ઘોડિયાઘરનો શુભારંભ

જૂનાગઢ, તા.૨૩
જૂનાગઢ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા પંચાયત, પોલીસ અધિક્ષકની કચેરી અને કલેક્ટર કચેરીમાં ફરજ બજાવતા અધિકારીઓ તેમજ કર્મચારીઓના નાના બાળકો માટે અદ્યતન સુવિધાઓથી સજ્જ ઘોડિયાઘરનો શુભારંભ કરવામાં આવ્યો છે.
જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરીએ એક નાના ભૂલકાના હસ્તે જ આ રંગબેરંગી અને બાળકો માટે અનુકૂળ વાતાવરણ ધરાવતા ઘોડિયાઘરને ખુલ્લું મુકાવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી જયંતસિંહ રાઠૌર, જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા તેમજ નિવાસી અધિક કલેક્ટર બી.એસ. બારડ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ ઉચ્ચ અધિકારીઓએ ઘોડિયાઘરમાં ભૂલકાંઓનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું અને તેમની સાથે હળવાશથી વાતચીત કરીને વાત્સલ્યભાવ વ્યક્ત કર્યો હતો.
આ અવસરે જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરીએ જણાવ્યું હતું કે, કલેક્ટર કચેરી, જિલ્લા પંચાયત અને જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીમાં મોટી સંખ્યામાં યુવા કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. જ્યારે પતિ-પત્ની બંને સરકારી સેવામાં જોડાયેલા હોય ત્યારે નાના બાળકોની સારસંભાળ એક મોટો પ્રશ્ન બની જાય છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની માર્ગદર્શિકા તથા કાયદાકીય જોગવાઈઓને ધ્યાનમાં રાખીને આ કચેરી પરિસરમાં ઘોડિયાઘરની શરૂઆત કરવામાં આવી છે. જેથી કર્મચારીઓના બાળકોને સુરક્ષિત અને સ્વચ્છ માહોલ મળી રહે અને કર્મચારીઓ કોઈ પણ ચિંતા વગર પોતાની ફરજ બજાવી શકે. બાળકોની સંપૂર્ણ દેખરેખ માટે અહીં પ્રશિક્ષિત કેર ટેકર બહેનોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
આ ઘોડિયાઘરને ભૂલકાંઓને ગમે તેવા કાર્ટૂન કેરેક્ટર્સ, વન્ય પ્રાણીઓ, ફળો તેમજ મૂળાક્ષરોના આકર્ષક ચિત્રોથી સજાવવામાં આવ્યું છે. આ ઉપરાંત બાળકોના માનસિક વિકાસ અને મનોરંજન માટે વિવિધ પ્રકારની નવી ગેમ્સ અને રમકડાં પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.
કલેક્ટર કચેરી ખાતે શરૂ થયેલી આ સુવિધા અંગે હર્ષ વ્યક્ત કરતાં નાયબ મામલતદાર અરુણાબેન ભુતૈયાએ જણાવ્યું કે, ઘોડિયાઘર શરૂ થવાથી ખાસ કરીને મહિલા કર્મચારીઓ માનસિક શાંતિ સાથે પોતાની કામગીરી કરી શકશે અને સમય મળ્યે બાળકની સંભાળ પણ રાખી શકશે. આ અનોખી પહેલ બદલ તેમણે જિલ્લા કલેક્ટર તેમજ સમગ્ર વહીવટી તંત્રનો આભાર માન્યો હતો. આ લોકાર્પણ પ્રસંગે કલેક્ટર કચેરીના અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.