દશેરા નિમિત્તે મોચી મહિલા મંડળ, જૂનાગઢ દ્વારા ભવ્ય ગરબા મહોત્સવ યોજાયો

દશેરા નિમિત્તે મોચી મહિલા મંડળ, જૂનાગઢ દ્વારા ભવ્ય ગરબા મહોત્સવ યોજાયો

જૂનાગઢ તા.ર૩
મોચી મહિલા મંડળ જૂનાગઢ દ્વારા દશેરાના પાવન પર્વ નિમિત્તે મૌલિક સ્કૂલ ખાતે એક દિવસીય ગરબા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોચી સમાજની ૩૦૦થી વધુ બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમ આનંદ, ઉમંગ અને ઉત્સાહભર્યા વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
મોચી મહિલા મંડળ દ્વારા આયોજિત આ ગરબા મહોત્સવમાં સમાજની બહેનોએ ઉત્સાહપૂર્વક ગરબાની રમઝટ બોલાવી હતી. સુંદર આયોજન, બહેનોનો ઉત્સાહ અને પરસ્પર સહકારને કારણે કાર્યક્રમ યાદગાર બન્યો હતો. મંડળ દ્વારા કરવામાં આવેલું આયોજન ખૂબ જ વ્યવસ્થિત અને પ્રશંસનીય રહ્યું હતું.આ કાર્યક્રમનું આયોજન મોચી મહિલા મંડળનાં પ્રમુખ શ્રીમતી મીનાબેન ચુડાસમાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. મંડળનાં કારોબારી સભ્યો છાયાબેન વાઘેલા, ચેતનાબેન ચુડાસમા, દર્શનાબેન વાઘેલા, જોશનાબેન જેઠવા, ગીતાબેન કામળિયા, ચાંદનીબેન યાદવ, ભૂમિબેન યાદવ અને સંગીતાબેન મકવાણા સહિત તમામ બહેનોએ કાર્યક્રમની સફળતા માટે ખૂબ જ સરસ સહકાર આપ્યો હતો.
કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ બહેનો માટે ગરમાગરમ ભજીયાં સહિત નાસ્તાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. આ આયોજનથી સમાજની બહેનોમાં પરસ્પર પ્રેમ, એકતા અને સંગઠનની ભાવના વધુ મજબૂત બની હતી.મોચી મહિલા મંડળની તમામ બહેનોના સહિયારા પ્રયાસો, ઉત્સાહ અને સુંદર આયોજનને કારણે દશેરા નિમિત્તે યોજાયેલો આ ગરબા મહોત્સવ ખૂબ જ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. સમાજની બહેનોની એકતા અને સંગઠનશક્તિનો સુંદર પરિચય આ કાર્યક્રમ દ્વારા જોવા મળ્યો હતો.