જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે એ.આઈ. આધારિત સ્માર્ટ સુક્ષ્મ સિંચાઈ ઉપર રાષ્ટ્રીય લઘુ શૈક્ષણિક કાર્યક્રમનો પ્રારંભ
“આર્ટિફિસિઅલ ઇન્ટેલિજન્સ અને ઈન્ટરનેટ ઓફ થિંગ્સ આધારિત સ્માર્ટ માઇક્રો સિંચાઈ દ્વારા પાણી અને ખાતરના ઉપયોગની કાર્યક્ષમતામાં વધારો” વિષય ઉપર દેશના ૨૬ તાલીમાર્થીઓની તાલીમ શરૂ
જૂનાગઢ, તા.૩૦
દેશમાં પાણીની અછત, હવામાન પરિવર્તન અને વધતા ખેતી ખર્ચ જેવા પડકારોને પહોંચી વળવા માટે આધુનિક ટેકનોલોજી આધારિત ઉકેલો વિકસાવવાની દિશામાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે ભારતીય કૃષિ સંશોધન પરિષદ (ICAR) પ્રાયોજિત રાષ્ટ્રીય સ્તરની ૨૧ દિવસીય વિન્ટર સ્કૂલ-લઘુ શૈક્ષણિક કાર્યક્રમનો પ્રારંભ થયો છે.
ભારતમાં ૮૮ ટકા કરતાં વધુ ખેડૂતો નાની તથા સીમાંત જમીન ધરાવતા હોવાથી પાણીની અછત ગંભીર સમસ્યા બની રહી છે. સુક્ષ્મ સિંચાઈ પદ્ધતિઓ અપનાવવામાં આવી રહી હોવા છતાં, ખેતી ક્ષેત્ર ઝડપથી ઓટોમેશન અને સ્માર્ટ ટેકનોલોજી તરફ આગળ વધી રહ્યું હોવાથી પરંપરાગત પદ્ધતિઓ પૂરતી સક્ષમ સાબિત થતી નથી. હાલ ઉપલબ્ધ ઓટોમેટિક સિંચાઈ પ્રણાલીઓ ખર્ચાળ હોવાથી નાના અને સીમાંત ખેડૂતો માટે તેને અપનાવવી મુશ્કેલ બની છે. આવી પરિસ્થિતિમાં આર્ટિફિસિઅલ ઇન્ટેલિજન્સ અને ઈન્ટરનેટ ઓફ થિંગ્સ આધારિત સસ્તી, વ્યવહારુ અને વ્યાપકપણે અપનાવી શકાય તેવી સ્માર્ટ સુક્ષ્મ સિંચાઈ ટેકનોલોજી વિકસાવવાની જરૂરિયાત ઉભી થઈ છે.
આ પડકારોને ધ્યાનમાં રાખીને ભારતીય કૃષિ સંશોધન પરિષદ (ICAR) દ્વારા “એડવાન્સિસ ઇન માઈક્રો ઈરીગેશન ફોર ઈમ્પ્રુવિંગ વોટર યુઝ એફિશિયન્સી એન્ડ પ્રોડક્ટિવિટી” થીમ હેઠળ દેશભરની સંસ્થાઓ પાસેથી તાલીમ કાર્યક્રમ માટે પ્રસ્તાવો આમંત્રિત કરવામાં આવ્યા હતા, જેમાંથી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના પ્રસ્તાવને ૈંઝ્રછઇ દ્વારા પસંદ કરી મંજૂરી આપવામાં આવી છે. આ સંદર્ભમાં “આર્ટિફિસિઅલ ઇન્ટેલિજન્સ અને ઈન્ટરનેટ ઓફ થિંગ્સ આધારિત સ્માર્ટ માઇક્રો સિંચાઈ દ્વારા પાણી અને ખાતરના ઉપયોગની કાર્યક્ષમતામાં વધારો” વિષય ઉપર આયોજિત ICAR પ્રાયોજિત ૨૧ દિવસીય વિન્ટર સ્કૂલનું જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી કોલેજ ખાતે પ્રાંરભ થયો છે. સિંચાઈ અને ડ્રેનેજ ઈજનેરી વિભાગ દ્વારા આયોજિત આ તાલીમ કાર્યક્રમ તા. ૨૭ જાન્યુઆરીથી ૧૬ ફેબ્રુઆરી, ૨૦૨૬ દરમ્યાન યોજાશે.
આ વિન્ટર સ્કૂલનો હેતું વૈજ્ઞાનિકો, ઈજનેરો અને શિક્ષકોની ક્ષમતા તથા જ્ઞાનમાં વધારો કરવાનો છે. તાલીમ દરમિયાન નિષ્ણાતો દ્વારા વ્યાખ્યાનો, પ્રાયોગિક તાલીમ, સંબંધિત ફાર્મ તેમજ ઇન્ડસ્ટ્રિયલ વિઝિટનો સમાવેશ કરવામાં આવશે. સમગ્ર દેશના ૯ રાજ્યોમાંથી આવેલા કુલ ૨૬ તાલીમાર્થીઓને એ.આઈ. અને આઈ.ઓ.ટી. આધારિત સિંચાઈ શેડ્યુલિંગ, સેન્સર્સ, ઓટોમેશન, ડેટા એનાલિટિક્સ, રિમોટ સેન્સિંગ તથા ડિસિઝન સપોર્ટ સિસ્ટમ્સ વિષયક વિશેષ તાલીમ આપવામાં આવશે.
ઉદ્ઘાટન કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાનેથી કુલપતિ ડૉ. વી. પી. ચોવટિયાએ પાણીની અછત, હવામાન પરિવર્તન, ઊર્જા ખર્ચમાં વધારો અને ટકાઉ કૃષિ વિકાસ જેવા પડકારો સામે સ્માર્ટ અને ડિજિટલ સિંચાઈ ટેકનોલોજીની મહત્વપૂર્ણ ભૂમિકા ઉપર ભાર મૂક્યો હતો. તેમણે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા સુક્ષ્મ સિંચાઈ સંશોધનના આધારે રાજ્ય સરકાર સમક્ષ રજૂ કરાયેલ રીપોર્ટના પરિણામે સબસીડીમાં થયેલા વધારાને રેખાંકિત કરી, જેના કારણે ગુજરાતના ખેડૂતોને સીધો લાભ થયો હોવાનું જણાવ્યું હતું.
કેપ્ટન ગ્રુપ ઓફ કંપનીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર અને કાર્યક્રમનામુખ્ય મહેમાન રમેશભાઈ ખીચડિયાએસુક્ષ્મ સિંચાઈને પરંપરાગત સિસ્ટમમાંથી આગળ વધારી સ્માર્ટ, સેન્સર અને એ.આઈ. આધારિત બનાવવાની આવશ્યકતા ઉપર ભાર મૂક્યો હતો તથા વૈજ્ઞાનિકો, ઉદ્યોગ અને ખેડૂતો વચ્ચે મજબૂત સહકાર જરૂરી હોવાનું જણાવ્યું હતું. સંશોધન નિયામક ડૉ. એ. જી. પાંસુરિયાએ માઇક્રો સિંચાઈ ક્ષેત્રે ગુજરાતની આગવી ભૂમિકાને રેખાંકિત કરી.
આ સમારોહમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ. એન. બી. જાદવ, કુલસચિવ ડૉ. વાય. એચ. ઘેલાણી તથા આઈ.ટી. ડિરેક્ટર ડૉ. કે. સી. પટેલ ઉપસ્થિત રહ્યા હતાં. કાર્યક્રમની શરૂઆતમાં આચાર્ય અને ડીન ડૉ. એચ. ડી. રાંકે વિન્ટર સ્કૂલના ઉદ્દેશ્યો અને રૂપરેખા રજૂ કરી, જ્યારે ડૉ. જી. વી. પ્રજાપતિએ શાબ્દિક સ્વાગત કર્યું હતું અને અંતમાં આભારવિધિકોર્સ ડિરેક્ટર ડૉ. આર. જે. પટેલે કરી હતી.
આ ૨૧ દિવસીય તાલીમ કાર્યક્રમના પરિણામે નાના અને સીમાંત ખેડૂતોના પડકારોને ધ્યાનમાં રાખી જરૂરિયાત આધારિત સંશોધન પ્રોજેક્ટો નક્કી કરવામાં મદદ મળશે. તાલીમ દરમિયાન પ્રાપ્ત જ્ઞાન અને અનુભવના આધારે ઓછા ખર્ચાળ, વ્યવહારૂ અને વ્યાપકપણે અપનાવી શકાય તેવી સ્માર્ટ સિંચાઈ ટેકનોલોજી વિકસશે, જેના કારણે પાણી અને ખાતરના ઉપયોગની કાર્યક્ષમતામાં વધારો, ખર્ચમાં ઘટાડો તથા ખેતી ઉત્પાદકતામાં વધારો શક્ય બનશે.


