રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.માં ‘ફિનેકલ‘ સોફટવેરનો અમલ

સભાસદો-ખાતેદારો અદ્યતન બેંકિંગ સુવિધા આપવા માટે ટીમ નાગરિક સજ્જ: દિનેશભાઇ પાઠક

રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.માં ‘ફિનેકલ‘ સોફટવેરનો અમલ

રાજકોટ તા. ૩૦
રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.માં નવી એક શરૂઆત થઇ છે. દેશ-વિદેશની ખ્યાતનામ બેંકોમાં મહત્તમ વપરાતો ઇન્ફોસીસ કંપનીનો કોર બેંકિંગ સોફટવેર, ‘ફિનેકલ’નો અમલ શરૂ થયો છે.
આ અંગે વધુ માહિતી આપતા બેંકના ચેરમેન દિનેશભાઈ પાઠકે જણાવ્યું હતું કે, ‘આજના યુગમાં દરેક ક્ષેત્રમાં આધુનિકતમ ટેકનોલોજીનો મહત્તમ વપરાશ થઇ રહ્યો છે. આના પગલે પગલે, આપણી બેંક દ્વારા દેશભરમાં નામાંકિત ઇન્ફોસીસ કંપનીનો કોર બેકિંગ સોફટવેર, ‘ફિનેકલ’નો અમલ શરૂ કર્યો છે. સભાસદો - ખાતેદારોને અદ્યતન બેંકિંગ સુવિધા આપવા માટે ટીમ નાગરિક સજ્જ બની છે. આ સોફટવેરની વિશેષતા એ છે કે બેંકિંગ ક્ષેત્રમાં મહત્તમ બેંકો તેનો વપરાશ કરી રહી છે. ઇન્ફોસીસનો ‘ફિનેકલ‘ સોફટવેર અદ્યતન ટેકનોલોજીથી સજ્જ છે અને ભવિષ્યની જરૂરિયાતો માટે પણ અનુકુળ છે. આથી બેંકે ફિનેકલ પસંદ કર્યું છે. રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. દ્વારા હંમેશા આવનારા સમયને પારખીને ટેકનોલોજીને આવકારી શ્રેષ્ઠ ગ્રાહક સુવિધા અપાઈ છે. ‘ફિનેકલ‘ સોફટવેર દ્વારા આ પરંપરાને અવશ્ય જાળવીશું.’ ‘ફિનેકલ’ સોફટવેરની વિશેષતા જાેઇએ તો, હાલમાં ૩૮ શાખાઓ કાર્યરત છે. નવો સોફટવેર ફુલી સ્કેલેબલ છે તેનાથી અગણિત બ્રાંચમાં કામ કરી શકાશે. રોબોસ્ટ ટેકનોલોજી અને ફીચર્સથી સજ્જ છે. અત્યાર સુધી મેન્યુઅલ થતાં મોટાભાગનાં કામો સોફટવેરની મદદથી ઓટોમેટીક અને ઝડપી થઇ શકે છે. સાયબર સુરક્ષાના વિવિધ ધારાધોરણોમાં સફળતાથી પાસ થયેલ છે. ભવિષ્યની ટેકનોલોજીને આ સોફટવેર સાથે સાંકળવું સહેલું બનશે. ફિનેકલ સોફટવેરના વપરાશ ડીજીટલ બદલાવ, પારદર્શિતા અને ગ્રાહકની સાનુકુળતાની સાથે સહકારી સિદ્ધાંતો મજબુતાઇથી જાળવે છે. ‘નાના માણસની મોટી બેંક’ના સુત્રને સાર્થક કરતી, રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. ટેકનોલોજીની સાથે મુલ્યોને જાળવી આવનારા સમયમાં સર્વોત્તમ ગ્રાહક સુવિધા પુરી પાડવા કટીબદ્ધ છે.