ર૦ એપ્રિલથી વસ્તીગણતરીનો પ્રારંભ અવરોધ ઉભો કરનારને ૩ વર્ષની સજા
ગાંધીનગર તા.૧૧
ગુજરાતમાં આવનારી વસતી ગણતરીને લઈ રાજ્ય સરકાર સંપૂર્ણ રીતે એક્શન મોડમાં આવી ગઈ છે. વસતી ગણતરી માટે અધિકારીઓની નિમણૂક અંગે ગુજરાત સરકાર દ્વારા વધુ બે ગેઝેટ પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે, જેમાં શહેરી વિસ્તાર તથા જિલ્લા વિસ્તાર માટે અલગ-અલગ ગેઝેટ જાહેર કરવામાં આવ્યા છે.
આ ગેઝેટ મુજબ રાજ્યમાં હાઉસલીસ્ટીંગ અને હાઉસિંગ સેન્સસનો પ્રથમ તબક્કો ૨૦ એપ્રિલ ૨૦૨૬થી ૧૯ મે ૨૦૨૬ સુધી યોજાશે, જ્યારે વસ્તી ગણતરીનો મુખ્ય તબક્કો ફેબ્રુઆરી ૨૦૨૭માં શરૂ કરવામાં આવશે. સમગ્ર પ્રક્રિયા મુખ્યત્વે શિક્ષકો સહિતના સરકારી કર્મચારીઓને સોંપવામાં આવશે અને તે સંપૂર્ણપણે ડિજિટલ પદ્ધતિથી હાથ ધરવામાં આવશે.
વધુમાં ગેઝેટમાં કાયદાકીય જોગવાઈ પણ કરવામાં આવી છે, જેમાં વસ્તી ગણતરીના કામમાં અવરોધ ઊભો કરનાર વ્યક્તિને ત્રણ વર્ષની કેદની સજાની જોગવાઈ રાખવામાં આવી છે, જ્યારે માહિતી આપવામાં આનાકાની કરનાર વ્યક્તિને રૂપિયા એક હજાર સુધીનો દંડ થઈ શકે છે.


