શ્રીસ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે હોળી-ધુળેટી પર્વ નિમિત્તે તા. 03 માર્ચ 2026, પૂર્ણિમાના પવિત્ર દિવસે, ગુજરાતના સૌથી મોટા રંગોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
આ દિવ્ય રંગોત્સવનું આયોજન પ.પૂ. શા. શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીની પ્રેરણાથી તથા પ.પૂ. કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે.
હોળીના પાવન અવસરે દાદાને વિશેષ પંચરંગી વાઘા અને રંગબેરંગી ફૂલો દ્વારા અલૌકિક શણગાર કરવામાં આવશે. સાથે જ 7 પ્રકારના કુલ 51,000 કિલો ઓર્ગેનિક રંગો (ગુલાબી, લાલ, પીળો, નારંગી સહિત) દાદાને અર્પણ કરી ભક્તિભાવપૂર્વક રંગોત્સવ ઉજવાશે.
પ.પૂ. હરિપ્રકાશદાસજી સ્વામીના સાનિધ્યમાં તથા કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામી સહિત સંતો અને દેશ-વિદેશમાંથી પધારેલા લાખોની સંખ્યામાં ભક્તો દાદાના રંગે રંગાશે. સવારે શણગાર આરતી બાદ ફુલડોલોત્સવમાં દાદાનું વિશેષ પૂજન-અર્ચન કરવામાં આવશે અને ત્યારબાદ સંતોને રંગ અર્પણ કરી ભક્તો સાથે ભવ્ય રંગોત્સવ ઉજવાશે.
કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીએ જણાવ્યું કે, “ભક્તિના રંગે રંગાવાનો આ જીવનનો અલૌકિક લ્હાવો છે. દાદાની પ્રસાદીના રંગોથી ભક્તો આનંદ અને કિલ્લોલ કરશે.”
મંદિરના મુખ્ય પરિસરને રંગબેરંગી કાપડ અને ફૂલોથી ભવ્ય રીતે સજાવવામાં આવ્યું છે.
રંગોત્સવના મુખ્ય આકર્ષણો
- હોળી-ધુળેટીના દિવસે દાદાને પંચરંગી વાઘા તથા રંગબેરંગી ફૂલોનો દિવ્ય શણગાર
- મંગળા આરતી સવારે 5:30 વાગ્યે
- શણગાર આરતી સવારે 7:00 વાગ્યે
- સવારે 7:30 થી 11:00 દરમિયાન સંતો અને ભક્તો એકસાથે રંગોત્સવ ઉજવશે
- 7 પ્રકારના 51,000 કિલો ઓર્ગેનિક રંગો દાદાને અર્પણ
- મંદિર પરિસરમાં 70 થી 80 ફૂટ ઊંચા 500 કલર બ્લાસ્ટ
- એર પ્રેશર મશીન દ્વારા ભક્તો પર રંગોની વર્ષા
- નાસિક ઢોલના તાલે ઢોલીઓ દ્વારા ધૂમ અને ભક્તો દ્વારા રાસની રમઝટ
- દાદા સમક્ષ વિવિધ રંગો અને પિચકારીઓની વ્યવસ્થા
- 100 રિબિન બ્લાસ્ટ તથા રંગીન ફાયરવર્ક્સ
- 10,000 રંગીન ફુગ્ગા આકાશમાં મુક્ત કરવામાં આવશે
- હનુમાનજી ચાલીસાનો સમૂહ પાઠ
હોળી પૂર્ણિમાના પરમ પવિત્ર અવસરે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને દિવ્ય રંગોના શણગાર સાથે મુખ્ય મંદિર પરિસરને ફૂલોથી અને રંગીન કાપડોથી આકર્ષક રીતે સજાવવામાં આવ્યું છે.
ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને વિદેશમાંથી પણ યુવાનો, યુવતીઓ, ભાઈઓ-બહેનો તથા નાના બાળકો થી માંડી વડીલ ભક્તો દાદાના સંગે અને સંતોના સાનિધ્યમાં આ ભવ્ય રંગોત્સવમાં ભાગ લેવા પધારશે.
આ દિવ્ય રંગોત્સવ ભક્તિ, આનંદ અને આધ્યાત્મિક ઉલ્લાસનું અનોખું દ્રશ્ય સર્જશે.