જૂનાગઢ જીલ્લા જેલમાં કેદી પાસેથી અને ટોયલેેટમાંથી મોબાઈલ મળ્યા

જૂનાગઢ જીલ્લા જેલમાં કેદી પાસેથી અને ટોયલેેટમાંથી મોબાઈલ મળ્યા

(ક્રાઈમ રીપોર્ટર દ્વારા)
જૂનાગઢ તા.ર૭
જૂનાગઢ જીલ્લા જેલમાંથી મોબાઈલ મળવાનો સિલસિલો યથાવત હોય તેમ ગઈકાલે ઝડતી સ્કવોર્ડ દ્વારા બપોરના સમયે ચેકીંગ હાથ ધરતા કેદી પાસેથી તેમજ ટોયલેટમાંથી મોબાઈલ મળી આવવાનો બનાવ એ ડીવીઝન પોલીસ મથકે નોંધાયો છે.  આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર જૂનાગઢ જેલમાં ગઈકાલે બપોરે સ્થાનિક ઝડતી સ્ક્વોડે સલામતી વિભાગ દ્વારા તપાસ હાથ ધરી હતી. આ દરમ્યાન કાચા કામનો કેદી નવાજ ઇમરાનભાઈ મોગલના હાથમાંથી બેટરી સાથે સીમકાર્ડ વગરનો મોબાઇલ તેમજ બેરેકના ટોયલેટના પોખરામાંથી પણ મોબાઈલ ફોન ઉપરાંત બિનવારસી ચાર્જર મળી આવતા જેલ પ્રતિબંધિત વસ્તુઓ કબજે લીધી હતી. હાથમાં મોબાઈલ સાથે પકડાતા ઉશ્કેરાઈ જઈને કાચા કામના કેદી નવાજ ઇમરાન મોગલે ઝડતી સ્ક્વોડના કર્મચારી પુંજાભાઈ ગરચર, કનકસિંહ નકુમ સાથે ગેરવર્તન તથા ફરજમાં અડચણ અને ઝપાઝપી કરી હતી. ઘટના અંગે હવાલદાર વિક્રમભાઈ કાળુભાઈ મેરએ નવાજ મોગલ વિરુદ્ધ ફરિયાદ કરતા એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.