શિવરાત્રી મેળામાં મહિલા પીઆઈની ફરજમાં રૂકાવટના ગુનામાં કીર્તિ પટેલને નિવેદન લઈ મુક્ત કરાઈ
જૂનાગઢ તા. ૨૭:
જૂનાગઢ ભવનાથ તળેટી ખાતે સંપન્ન થયેલા શિવરાત્રી મેળાના અંતિમ દિવસે એટલે કે, શિવરાત્રીના દિવસે રવાડી સરઘસ બાદ મૃગીકૂંડમાં સ્નાન કરવાનો મામલો ખાસ કરીને ટીકટોક સ્ટાર કીર્તિ પટેલે ભગવા પહેરી અને મૃગીકૂંડમાં સ્નાન કર્યાના બનાવને પગલે ભારે વિવાદ ઉભો થયો હતો. કીર્તિ પટેલના આ કૃત્યને વખોડી કાઢવામાં આવેલ હતું. દરમ્યાન કીર્તિ પટેલ સામે મહિલા પીઆઈની ફરજમાં રૂકાવટ અંગેનો પણ ગુનો નોંધાયો હતો. આ ઉપરાંત પણ અન્ય બે ફરિયાદો નોંધાઈ હતી. ૭ દિવસમાં કુલ ૩ ફરિયાદ નોંધાઈ હતી. આ સમયગાળામાં કીર્તિ પટેલને ચોક્કસ બાતમીના આધારે પોલીસે રાજસ્થાનના ઉદયપુરથી ઝડપી લઈ કોર્ટ સમક્ષ રિમાન્ડની માંગણી સાથે રજુ કરવામાં આવી હતી. કોર્ટે એક દિવસના રીમાન્ડ મંજુર કર્યા હતા. ત્યારબાદ કીર્તિ પટેલના વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી અને તેને જામીન પર પણ મુક્ત કરવામાં આવી હતી અને ભવનાથ પોલીસ સ્ટેશનમાં હાજર થવાનું પણ ફરમાન કર્યું હતું. દરમ્યાન કીર્તિ પટેલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં પણ હાજર થઈ હતી. વધુમાં મળતી વિગત અનુસાર જુનાગઢ રેન્જ મહિલા પીઆઈની ફરજ રૂકાવટના ગુનામાં પણ કીર્તિ પટેલ ગઈકાલે તાલુકા પોલીસ મથકમાં હાજર થતા પોલીસે પૂછપરછ કરી અને નિવેદન લઇ તેને મુક્ત કરી દીધી હતી.
મહાશિવરાત્રી લઘુ કુંભ મેળાની અંતિમ રાત્રે ભવનાથ મંદિર ખાતેના મૃગીકુંડમાં સાધુ સંતો સાથે ભગવા વસ્ત્રો પહેરીને વિવાદસ્પદ ૩૮ વર્ષીય કીર્તિ રણછોડભાઈ અડાલજા પટેલે કર્યું હતું અને આ દરમ્યાન જૂનાગઢ રેન્જ કચેરીના મહિલા પીઆઈ કે. જે. મોડની ફરજમાં રૂકાવટ કરી ધમકી આપી હતી. જે અંગે ભવનાથ પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલ વિરૂધ્ધ ગુનો નોંધાયો હતો અને જેની તપાસ તાલુકા પોલીસને સોંપવામાં આવી હતી. આ કેસમાં હાજર થવા કીર્તિને પોલીસ દ્વારા નોટિસ અપાઇ હતી. ગઈકાલે કીતિર્ પટેલ તેનાના વકીલ સાથે હાજર થતા તપાસનીશ મહિલા પીઆઇ એફ. બી. ગગનીયાએ પૂછપરછ કરી નિવેદન નોંધ્યું હતું. બાદમાં કીર્તિ પટેલને જવા દેવાઇ હતી.


