બાલાસીનોરમાં બે કલાકમાં દોઢ ઈંચ, અમદાવાદમાં ધોધમાર વરસાદ
ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ અપાયું
અમદાવાદ તા.૧૧
છેલ્લા ૨૪ કલાકમાં ૧૩૪ તાલુકામાં સૌધી વધુ મહીસાગરના ગોધરમાં ૨.૩૦ ઇંચ, નવસારીના ખેરગામમાં ૧.૫૪ ઇંચ તો અન્ય ચાર તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. મંગળવારે સવારના ૬થી ૮ વાગ્યા સુધીમાં ૫૫ તાલુકામાં સૌથી વધુ મહીસાગરના બાલાસિનોર-ગોધરામાં દોઢ ઈંચ જેટલો વરસાદ નોંધ્યો છે.
બપોરના એક વાગ્યા સુધી ૧૩ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરાઈ છે. સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરેન્દ્રનગર, બોટાદ, મહીસાગર, પંચમહાલ, ખેડા અને આણંદમાં અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ અલર્ટ જારી કરાયું છે. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ અને ૪૧ કિમી પ્રતિ કલાકથી પવનના ઝાપટા ફૂંકાવાની શક્યતા છે.
જ્યારે જામનગર, રાજકોટ, જૂનાગઢ, મોરબી, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, ભરૂચ, વડોદરા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ સહિતના જિલ્લામાં યલો અલર્ટ સાથે હળવા વરસાદની શક્યતા છે.


