ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનો ચોથો પદવીદાન સમારોહ ગૌરવપૂર્ણ યોજાયો

ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનો ચોથો પદવીદાન સમારોહ ગૌરવપૂર્ણ યોજાયો

જૂનાગઢ તા.ર૮
જૂનાગઢ-બીલખા રોડ પર ખડીયા નજીક આવેલ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટેનો ચોથો પદવીદાન સમારોહ આજે ગૌરવપૂર્ણ રીતે યોજવામાં આવ્યો હતો. જૂનાગઢ-ટીંબાવાડી રોડ પર આવેલા બીએપીએસ સ્વામીનારાયણ મંદિરના પ્રમુખ સ્વામી હોલમાં આ શાનદાર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
 ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સીટીનાં 4થા પદવીદાન સમારોહમાં પ્રાસંગીક ઉદબોધન અને સ્વાગત પ્રવચન કરતા યુનિવર્સીટીનાં કુલપતિ 
ડો. પ્રતાપસિંહજી ચૌહાણ દ્વારા જાણકારી આપવામાં આવી હતી કે 2015ની સાલમાં ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સીટી કાર્યરત બની હતી. અને છેલ્લા 10 વર્ષમાં શિક્ષણ ક્ષેત્રે એક ક્રાંતિકારી પગલા લેવામાં આવી રહયા છે.
4 જીલ્લાની 246 કોલેજ આ યુનિવર્સીટી સાથે જાેડાયેલી છે. અને 1,10,000 વિદ્યાર્થીઓ વિવિધ ફેકલ્ટીમાં અભ્યાસ કરી રહયા છે. છેલ્લા પાંચ વર્ષમાં 150 રીસર્ચ પેપરો તૈયાર કર્યા છે. તેમજ લાઈફ સાયન્સ, વાઈલ્ડ લાઈફ અને કેમેસ્ટ્રી વિભાગ લીડ કરે તેવા વિભાગોની કામગીરી રહી છે. ગુજરાતમાં આ સૌ પ્રથમ યુનિવર્સીટી એવી છે કે જયાં પરીક્ષા લેવાયાનાં 15 દિવસમાં જ પરીણામો જાહેર કરવામાં આવે છે.
ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સીટીનાં ભવનનું નિર્માણ કાર્ય પૂર્ણ થવા જઈ રહયું છે. અને વિવિધ વિભાગોને સાંકળી લેવામાં આવનાર છે. અને જુન માસમાં જ આ યુનિવર્સીટીનાં વિવિધ વિભાગોનું લોકાર્પણ કરવામાં આવનાર છે. ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સીટી અંગેની વિસ્તૃત માહિતી પણ કુલપતિ ડો. પ્રતાપસિંહજી ચૌહાણે આપી હતી.
ગુજરાત રાજયના રાજયપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે ઉચ્ચ ડીગ્રી પ્રાપ્ત કરનારા તેમજ વિવિધ અભ્યાસક્રમોમાં ઉત્કૃષ્ટ દેખાવ અને શ્રેષ્ઠતા પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આજે યોજાયેલા સન્માનના આ કાર્યક્રમમાં 36 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા તથા વિવિધ વિષયોમાં પીએચડી પૂર્ણ કરેલ 102 વિદ્યાર્થીઓને પીએચડીની ડીગ્રી એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત સ્નાતક, અનુસ્નાતક કક્ષાના વિવિધ ફેકલ્ટીમાં અભ્યાસ પૂર્ણ કરેલ 27436 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવેલ હતી. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા આયોજીત ચોથા પદવીદાન સમારોહમાં ઉચ્ચ અધિકારીઓ, શિક્ષણ વિભાગના પદાધિકારીઓ, વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ડો.પ્રતાપસિંહજી ચૌહાણના માર્ગદર્શન હેઠળ જૂનાગઢના આંગણે એટલે કે, બીએપીએસ સ્વામીનારાયણ મંદિરના પ્રમુખ સ્વામી હોલમાં વિદ્યાર્થીઓને સન્માનિત કરવાનો એક શાનદાર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.