ગિરનાર પર બિરાજતા અંબાજી માતાજીનાં પ્રાગટય મહોત્સવની આવતીકાલે ઉજવણી

સવારથી જ શ્રી સુકતના પાઠ, હોમ-હવન, અભિષેક, ધ્વજારોહણ અને મહાપ્રસાદ સહીતના કાર્યક્રમો

ગિરનાર પર બિરાજતા અંબાજી માતાજીનાં પ્રાગટય મહોત્સવની આવતીકાલે ઉજવણી

જૂનાગઢ તા.ર
જૂનાગઢ નજીક આવેલ ગરવા ગિરનાર પર બિરાજતા જગત જનની જગદંબા અંબાજી માતાજીનાં પ્રાગટય મહોત્સવની આવતીકાલે અંબાજી માતાજીના મંદિર ખાતે ભક્તિભાવ પુર્વક ઉજવણી કરવામાં આવશે અને અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. 
આવતીકાલે પોષી પૂનમ એટલે અંબાજી માતાજીનો પ્રાગટય દિવસ છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ અંબાજી માતાજીનાં પ્રાગટય મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. જેમાં ગરવા ગઢ ગિરનારના પ૦૦૦ પગથીયા ઉપર બિરાજમાન અંબાજી માતાજીના પ્રાગટય મહોત્સવ પ્રસંગે મંદિર ટ્રસ્ટ દ્વારા  હજારો ભાવિક ભકતોની હાજરીમાં ધ્વજારોહણનો કાર્યક્રમ યોજવામાં આવશે. બપોરે મહાઆરતીસાથે માતાજીને થાળ ધરીને મહાપ્રસાદ ધરાશે. આવતીકાલે સવારના ૭  વાગ્યાથી બપોરના ર વાગ્યા સુધી અંબાજી માતાજીનો પ્રાગટય મહોત્સવ ધામધુમથી ઉજવવામાં આવશે. માતાજીની કુલ બાવન શક્તિપીઠો પૈકીની ગિરનાર પર્વત ઉપરની આ શક્તિપીઠ ઉધ્યન પીઠ તરીકે ઓળખાય છે.  પુરાણ કથામાં ઉલ્લેખ છે તે મુજબ દક્ષ પ્રજાપતિ રાજાએ બૃહસ્પતિનામનાં મહાયજ્ઞનું આયોજન કર્યુ હતું. જેમાં દક્ષ રાજાએ બધા દેવોને નિમંત્રીત કરેલા અને એક માત્ર પોતાના જમાઈ ભગવાન શિવજીને આમંત્રણ આપ્યુ નહોતું. સતી પાર્વતીજીએ પિતાને ત્યાં  આવડો મોટો યજ્ઞ થઈ રહયો હોય તેમાં જવા તૈયાર થઈ ગયા. ભગવાન શિવજીએ માતાને જવાની ના પાડી તેમ છતાં માતા પાર્વતી યજ્ઞમાં પહોંચી ગયા જયાં પિતા દ્વારા ભગવાન શિવજીની નિંદા થતાં  માતા પાર્વતી ખુબજ દુ:ખી થયા અને માતા પાર્વતીજીએ યજ્ઞનાં કુંડમાં પડીને દેહત્યાગ કરતા હાહાકાર મચી ગયો હતો. આ અંગે ભગવાન શિવજીને જાણ થતાં તેઓ અત્યંત ક્રોધીત  અને કોપાઈમાન બન્યા હતા. 
શિવજીએ માતા પાર્વતીજીનાં નિશ્ચેતન દેહને ખંભે ઉંચકી અને તાંડવ નૃત્ય શરૂ કરી દેતા સૌ દેવતાઓ ડરી ગયા અને ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી કે હે ભગવાન તમેજ કંઈક કરો, નહીં તો સમગ્ર સૃષ્ટીનો સર્વનાશ થઈ જશે. ત્યારે ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્ર દ્વારા માતા પાર્વતીનાં શરીરના  પર (બાવન) ટુકડા કરેલ દરમ્યાન ટુકડા જયાં  જયાં પડયાછે તે સ્થળે માતાજીની શક્તિપીઠ નિર્માણ પામી હતી. જેમાંની એક શક્તિપીઠ ગિરનાર પર્વત ઉપર માતા અંબાજીની ઉદયન પીઠ તરીકે ઓળખાય છે.  ગિરનાર ઉપર બિરાજતા અંબાજી માતાજીનાં  મંદિરે વર્ષ દરમ્યાન લાખો શ્રધ્ધાળુઓ, ભાવિકો દર્શને આવે છે અને માતાજીનાં દર્શન કરી ભાવવિભોર બને છે. નાના મોટા, અબાલ, વૃધ્ધ સહીતનાં ભાવિકો અંબાજી માતાજીનાં દર્શનનો લાભ લે છે. સેંકડો ભાવિકો માતાજીની માનતા રાખે છે અને  પ૦૦૦ પગથીયા પગપાળા ચડી અને શ્રધ્ધાથી માતાજીનાં દર્શન કરી ધન્યતા અનુભવે છે. 
પગપાળા આવતા ભાવિકો, ડોળી મારફત આવતા ભાવિકો, તેમજ હવે તો રોપવેની સુવિધા કાર્યરત હોય, રોપવે મારફત પણ ભાવિકો અંબાજી માતાજીનાં દર્શને આવે છે. લાખો શ્રધ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર એવા અંબાજી માતાજીનાં દર્શન માત્રથી ભાવિકોનાં દુ:ખ દર્દ દુર થાય છે. અહીં અંબાજી માતાજીનાં દર્શને પધારતા ભાવિકોની મનોકામના માતાજી પુર્ણ કરે છે. ગિરનાર પર્વત ઉપર બિરાજતા અંબાજી માતાજીનાં પ્રાગટય મહોત્સવની આવતીકાલે આસ્થાપુર્વક, ભાવપુર્વક અને ભક્તિભાવ પુર્વક ઉજવણી કરવામાં આવશે.