જૂનાગઢ મનપા વાયદાઓ તો કરે છે ત્યારે જૂનાગઢમાં સીટી બસ સેવા કયારે શરૂ થશે?

વર્ષોથી બસ સેવા બંધ થઈ છે, આઝાદ ચોક ખાતે આવેલ બસ સ્ટેન્ડની બિસ્માર હાલત- તંત્રની ઘોર બેદરકારી

જૂનાગઢ મનપા વાયદાઓ તો કરે છે ત્યારે જૂનાગઢમાં સીટી બસ સેવા કયારે શરૂ થશે?

જૂનાગઢ તા. ૨
જૂનાગઢ શહેરમાં એક સમયે કાર્યરત સીટી બસ સેવા વર્ષો થયા બંધ છે અને આઝાદ ચોક ખાતે આવેલ તેનું બસ સ્ટેન્ડ આજે દુર્દશાને આરે ઉભું છે. અને નગરજનોને એવો અહેસાસ કરાવે છે કે, વર્ષો પહેલા મારૂ અસ્તિત્વ હતું અને નગરજનો અહીંથી જ બસ પરિવહન સેવાનો લાભ લેતા હતા. દરમ્યાન જૂનાગઢમાં બંધ પડેલી  સીટી બસ સેવા પુર્ન: વહેલી તકે શરૂ કરવાની માંગણી ઉઠવા પામી છે. 
અન્ય શહેરોની માફક નગરજનોને આવન, જાવન કરવામાં સરળતા રહે તે માટે નગરપાલિકાનાં સમયકાળથી જૂનાગઢમાં સીટી બસ સેવા કાર્યરત હતી એટલું જ નહીં મહાનગરપાલિકાનાં સમયમાં કેટલોક સમય સીટી બસ સેવા ઉપલબ્ધ હતી. કોરોના કાળ વખતે રાજયભરમાં અનેક સુવિધાઓ બંધ કરવામાં આવી હતી. જેમાં શહેરોમાં ચાલતી સીટી બસ સેવાપણ સામેલ હતી. જૂનાગઢમાં આ સમય દરમ્યાન બંધ કરવામાં આવેલી સીટી બસ સેવા પાંચ વર્ષ બાદ પણ બંધ હાલતમાં છે જે આટલા વર્ષો બાદ પણ શરૂ કરવામાં આવી નથી. 
જૂનાગઢ શહેરમાં સુલભ પરિવહન માટે શરૂ કરાયેલી સિટી બસ સેવા લાંબા સમયથી બંધ હાલતમાં છે. કોરોના કાળમાં આ સેવાને બંધ કરવામાં આવી હતી. શહેરમાં વર્ષ ૨૦૦૨થી કાર્યરત અને વર્ષ ૨૦૦૪થી ખાનગી ભાગીદારીથી ચાલતી આ સેવા કોરોના કાળમાં બંધ કરવામાં આવી હતી. જે પાંચ વર્ષ બાદ પણ શરૂ કરાઈ નથી. શહેરમાં આઝાદ ચોકમાં આવેલું મહાનગર પાલિકાનું સિટી બસ સ્ટેન્ડ પણ આજે ખંડેર હાલતમાં ફેરવાઈ ગયું છે. બિસ્માર બિલ્ડિંગ અને તૂટેલા બાંકડા નજરે પડે છે. 
રાજ્ય સરકારે ૫૦ જેટલી અત્યાધુનિક બસો ફાળવી દીધી હોવા છતાં મહાનગર પાલિકાનું તંત્ર માત્ર ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં જ સમય પસાર કરી રહ્યું છે. ઝાંઝરડા રોડ પર નિર્માણ હેઠળના આ ચાર્જિંગ સ્ટેશનની કામગીરી પણ ગોકળગાયની ગતિએ આગળ વધતી હોવાથી લોકોની મુશ્કેલીમાં વધારો કરી રહી છે. શહેરમાં અગાઉ આઠ રૂટ પર ૯ બસો દોડતી હતી. જેના કારણે શહેરમાં ગરીબ, મધ્યમવર્ગ અને વિદ્યાર્થીઓ માત્ર પાંચ કે દસ રૂપિયામાં જ મુસાફરી કરી શકતા હતાં. આજે તેમને તંત્રની નિષ્ફળતાને કારણે મોંઘા ભાડા ખર્ચવા મજબૂર બનવું પડ્યું છે.
તાજેતરમાં મહાનગર પાલિકામાં જનરલ બોર્ડની બેઠક મળી હતી. જેમાં વિપક્ષે શાસકો સામે આકરા સવાલો કર્યા હતાં. આ દરમ્યાન મનપાના શાસકોએ ૨૦૨૬માં આ બસ સેવા શરૂ કરાશે તેવા જવાબો આપ્યા હતાં. વહીવટી તંત્રની આ ઢીલી નીતિ અને શાસકોની ઉદાસીનતાને કારણે હજારો મુસાફરોની સુવિધા છીનવાઈ ગઈ છે.
દરમ્યાન નવું વર્ષ શરૂ થઈ ગયું છે. અને આ વર્ષમાં સીટી બસ સેવા પુર્ન: વહેલી તકે શરૂ કરવામાં આવે તેવી લોકોની લાગણી રહેલી છે. વાયદાઓ અને વિકાસની નવી નવી રૂપરેખાઓ ઘડી કાઢવામાં હોંશીયાર એવા મનપાનાં તંત્ર વાહકો, નગરજનોનાં હિતમાં વહેલી તકે સીટી બસ સેવા શરૂ કરી શકશે ખરા? તેવા સવાલો આજે લોકોમાં મુખ્ય ચર્ચાનો વિષય બન્યા છે.