સોમનાથથી કોંગ્રેસનો સ્થાનિક સ્વરાજની ચૂંટણી પુર્વે સંગઠન મજબુત બનાવવાનો શંખનાદ

મુકુલ વાસનિક, અમિત ચાવડા સહિતના દિગ્ગજ નેતાઓએ સોમનાથ મહાદેવના દર્શન કરી લીધા આશીર્વાદ : વેરાવળમાં જીલ્લા કોંગ્રેસનું કાર્યાલય ખુલ્લુ મુકાયું

સોમનાથથી કોંગ્રેસનો સ્થાનિક સ્વરાજની ચૂંટણી પુર્વે સંગઠન મજબુત બનાવવાનો શંખનાદ

(રાકેશ પરડવા દ્વારા)
વેરાવળ તા.૧૬
ગીર સોમનાથ જીલ્લામાં આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા કોંગ્રેસે સોમનાથથી ચૂંટણી પ્રચારનો શંખનાદ કરી રાજકીય માહોલમાં ગરમાવો લાવી દીધો છે. કોંગ્રેસના પ્રદેશના નેતાઓએ સોમનાથ મહાદેવના દર્શન અને પૂજન અર્ચન કરીને આગામી સ્થાનીક સ્વરાજયની ચૂંટણી માટે પ્રચાર અભિયાનનો પ્રારંભ કર્યો છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ સોમનાથ મહાદેવના મંદિરે પહોંચીને જળાભિષેક તેમજ પાઘ પૂજન કરી આશીર્વાદ મેળવ્યા હતા. આ પ્રસંગે રાજ્યસભા સાંસદ તથા AICC ના સેક્રેટરી અને ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી રામકિશન ઓઝા સહિતના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ વેરાવળ શહેરમાં ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસનું કાર્યાલય ખુલ્લું મુકવામાં આવ્યું હતુ. જેને સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે સંગઠનાત્મક દ્રષ્ટિએ મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. આગામી દિવસોમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાની ચૂંટણી યોજાનાર હોવાને કારણે કોંગ્રેસ પક્ષે સંગઠન મજબૂત બનાવવાની દિશામાં તૈયારી શરૂ કરી દીધી છે.
સોમનાથ મહાદેવના દર્શન બાદ મીડિયા સાથે વાત કરતાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિકે જણાવ્યું હતું કે સોમનાથ મહાદેવના આશીર્વાદ મેળવ્યા બાદ તેઓ ધન્યતા અનુભવી રહ્યા છે અને પોતાને ભાગ્યશાળી માને છે. આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ વધુ મજબૂત બનીને મેદાનમાં ઉતરશે. રાજ્યભરમાં કોંગ્રેસના સંગઠન માળખાને વધુ મજબૂત બનાવવાની કામગીરીનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. કાર્યકર્તાઓને સક્રિય બનાવી સ્થાનિક સ્તરે જનસંપર્ક વધારવા માટે આયોજન કરવામાં આવી રહ્યું છે. જે આવનારી ચૂંટણીમાં રાજકીય ગરમાવો વધારવાનું સંકેત માનવામાં આવી રહ્યું છે.