ઉના નજીક બેફામ દોડતા બોલેરોએ હડફેટે લેતા બે ભાઈ સહિત ત્રણના મોત

કેસરીયા ગામનાં હિતેશ શીંગડ અને તેના નાના ભાઈ પરીમલ શીંગડ તેમજ નાથડ ગામના ભીખાભાઈ દમણીયાનું મૃત્યું જયારે કિશોરી ઈજાગ્રસ્ત

ઉના નજીક બેફામ દોડતા બોલેરોએ હડફેટે લેતા બે ભાઈ સહિત ત્રણના મોત

ગીર સોમનાથ તા. ર૦
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં એક ગોઝારો માર્ગ અકસ્માત સર્જાયો છે, જેમાં બે સગા ભાઈઓ સહિત ત્રણ યુવાનોએ પોતાના જીવ ગુમાવ્યા છે. કેસરીયા ગામ નજીક રાત્રિના સમયે, એક બેફામ ગતિએ ધસી આવેલી બોલેરો જીપે બે અલગ-અલગ બાઈકને અડફેટે લેતા આ ગમખ્વાર દુર્ઘટના બની હતી. આ ઘટનામાં એક કિશોરી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, કેસરીયા ગામના હિતેશ શિંગડ (ઉં.વ. ૨૦) પોતાના નાના ભાઈ પરિમલ શિંગડ (ઉં.વ. ૧૧) અને કાકાની દીકરી કલુબેન (ઉં.વ. ૧૭) સાથે પોતાની વાડીએ જઈ રહ્યા હતા. તે જ સમયે, નજીકના નાથડ ગામના ભીખાભાઈ દમણિયા (ઉં.વ. ૩૫) પણ અન્ય બાઈક પર સોનારી ગામેથી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા.
કેસરીયા-સોનારી રોડ પર દીવ તરફથી તોફાની ઝડપે આવી રહેલી એક બોલેરો જીપના ચાલકે બંને બાઈકને જાેરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે હિતેશ, પરિમલ અને ભીખાભાઈનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ થયું હતું, જ્યારે કલુબેનને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
અકસ્માત બાદ, ઈજાગ્રસ્ત કલુબેનને તાત્કાલિક ઉનાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી છે. ત્રણેય મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ઉના સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ દુ:ખદ સમાચાર વાયુવેગે ફેલાતા જ કેસરીયા, નાથડ અને સોનારી સહિતના આસપાસના ગામોના લોકોના ટોળેટોળા હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા. એક જ પરિવારના બે ભાઈઓના મૃત્યુથી પરિવારજનોના હૈયાફાટ રુદનથી હોસ્પિટલનું વાતાવરણ અત્યંત ગમગીન અને શોકાતુર બની ગયું હતું. 
અકસ્માત સર્જ્યા બાદ બોલેરો ચાલક ગાડી સાથે ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. ઉના પોલીસે આ મામલે હિટ એન્ડ રનનો ગુનો નોંધીને ફરાર આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અને વધુ તપાસ હાથ ધરી છે. આ કરુણ દુર્ઘટનાએ ફરી એકવાર ઓવર-સ્પીડિંગ અને માર્ગ સુરક્ષા અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે.