વેરાવળમાં દાગીના સાફ કરવાના બહાને સોનાની છેતરપીંડી આચરતા બે શખ્સોને ઝડપી લેવાયા
એલસીબીએ બંને શખ્સો પાસેથી રૂા.૪૦ હજારના સોના સહિત પોણા લાખનો મુદામાલ જપ્ત કર્યો : બંને શખ્સો રહેણાંક વિસ્તારોમાં ફરીને દાગીના સાફ કરી દેવાના બહાને છેતરપીંડી કરતા હોવાનો પર્દાફાશ થયો
વેરાવળ તા.૧
વેરાવળમાં ઘણા દિવસોથી વાસણો, દાગીના સાફ કરી દેવાના બહાને સોનાની છેતરપીંડી આચરતી ટોળકી સક્રીય થઈ એક વૃધ્ધને નિશાન બનાવી દસેક ગ્રામ સોનાની છેતરપીંડી આચરી હતી. આ મામલે મુળ બિહારના બે પરપ્રાંતીય શખ્સોની એલસીબીએ ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ બંન્ને શખ્સો ઘણા વર્ષોથી દાગીના સાફ કરવાના બહાને કેમીકલ મારફત સોનાની છેતરપીંડી આચરતા હોવાનું એલસીબીની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ચારેક દિવસ પહેલા વેરાવળના ગંગાનગરમાં રહેતા એક વૃધ્ધના ઘરે બપોરના સમયે બે શખ્સોએ આવીને વાસણ, દાગીના સાફ કરતા હોવાનું જણાવેલ હતુ. જેથી વૃધ્ધાએ તેની પાસે રહેલ સોનાનું પડ ચડાવેલ બે બંગડીઓ સાફ કરવા આપેલ ત્યારે બંન્ને શખ્સોએ કેમીકલવાળા પાણીથી બોટલમાં બ્રશ વાટે બંગડીઓ ઘસી બંગડીઓ પરનુ આશરે દશેક ગ્રામ સોનુ અંદાજે કી.રૂા.૪૦ હજારનું બંગડીઓ પરથી કેમીકલવાળા પાણીની બોટલમાં ઓગળાવી લઈ જઈ ચાલ્યા ગયા હતા. થોડા સમય પછી વૃધ્ધાને તેની સાથે સોનાની છેતરપીંડી થઈ હોવાની જાણ થતાં ઉપરોકત વિગતોની સીટી પોલીસને જાણ કરી હતી. જેને લઈ એલર્ટ બનેલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
આ મામલાની ગંભીરતાને લઈ એસપીની સુચનાથી એલસીબી તપાસમાં જોડાઈને પીઆઈ એસ.વી.રાજપુત, પીએસઆઈ એ.સી.સિંધવ સહિતના સ્ટાફે સીસીટીવી અને ટેકનીકલ રીસોર્સ થકી મળેલ માહિતીના આધારે છેતરપીંડી આચરનાર (૧) મુકેશ જુલામી બીરંચી પાસવાન ઉ.વ.૩૮, (૨) અભિમન્યુ નીરજ પોલો યાદવ ઉ.વ.૨૪ મુળ બંન્ને રહે.ભાગલપુર-બિહાર વાળાને ઝડપી લીધા હતા. બંન્ને પાસેથી સોનાનું પ્રવાહી, બાઈક મળી કુલ રૂા.૭૦ હજારનો મુદામાલ જપ્ત કર્યો હતો. પકડાયેલા બંન્ને પરપ્રાંતિય શખ્સો દાગીના સાફ કરવાના બહાને કેમીકલથી સોનું ઓગાળી છેતરપીંડી કરવાની એમ.ઓ. ધરાવે છે. આ અગાઉ ગુજરાતના અનેક શહેરોમાં વાસણ, દાગીના સાફ કરવાના બહાને સોનાની છેતરપીંડી આચરી હોવાની શકયતા હોવાથી આગવીઢબે પૂછપરછ હાથ ધરી છે.
બંન્ને શખ્સો ઘણા વર્ષોથી બિહારથી ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં આવન જાવન કરી છેતરપીંડીની ઘટનાને અંજામ આપતા હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળેલ છે.


