દ્વારકા જગત મંદિરે ફૂલડોલ ઉત્સવ ઉજવવા ભાવિકો ઉમટી પડયા

ફાગણી પુનમે હજારો ભાવિકોએ ગોમતી સ્નાન કરી પુણ્યનું ભાથુ બાંધ્યુ : દ્વારકા જગતમંદિરે ફુલડોલ ઉત્સવ : શ્રીજી સંગ રંગ ભાવિકો અબિલ ગુલાલના રંગથી ખેલશે : કાળિયા ઠાકોરને ચાંદીની પીચકારીમાં કેસુડાનો તથા કેસર જળથી રંગ રમાડાશે અબિલ ગુલાલની છોળોથી મંદિર પરીસર રંગે રંગાશે

દ્વારકા જગત મંદિરે ફૂલડોલ ઉત્સવ ઉજવવા  ભાવિકો ઉમટી પડયા

(પ્રતિનિધિ દ્વારા)
દ્વારકા તા.૩
યાત્રાધામ દ્વારકામાં આવેલ જગ પ્રસિધ્ધ દ્વારકા જગત મંદિરે હોળી ફુલડોલ ઉત્સવનું અનેરૂ મહત્વ હોય છે. લાખો શ્રધ્ધાળું ઉત્સવ ઉજવવા દ્વારકા પહોંચી આવ્યા છે. આજે  ફાગણી પુનમના દિવસે પવિત્ર ગોમતી સ્નાનનું અનેરૂ મહત્વ હોય. પૂર્ણીમાના ગોમતી નદીના પાવન કારી જલમાં હજારો ભાવિકોએ પવિત્ર ગોમતી નદિમાં સ્નાન કરી પુણ્યનું ભાથુ બાંધ્યું હતું. દિવસ દરમ્યાન સવારે મંગળા આરતીથી રાત્રીના શયન આરતી સુધી શ્રીજીના દર્શન માટે જગત મંદિરે ભાવિકોનુ ઘોડાપુર જોવા મલ્યું હતું. વારદાર પુજારીએ ઠાકોરજીને વિશેષ શણગાર કરી શ્રધ્ધાળુઓ ને દર્શન કરાવ્યા હતા. સાંજે દ્વારકામાં પરંપરાગત રીતે ગોમતી ધાટ પાસે સરકારી હોળીમાં જયોત લઇ જઈ શહેરના અન્ય મુખ્ય ચોકમાં ઉજવાતી હોળીઓમાં આ હોળીની પ્રજવલિત જયોત લઇ જઇ હોલીકા દહન કરાયું હતું. આજે મંગળવારે બોપરે  જગત મંદિરે બે થી ત્રણ વાગ્યા સુધી ફૂલડોલ ઉત્સવ ઉજવવામાં આવશે. હોળાષ્ટકની શરૂઆતથી જગતમંદિરે સવારની શુંગાર આરતી અને સાંજની સંધ્યા આરતીમાં પુજારી દ્વારા શ્રીજીને અબિલ ગુલાલથી રમાડાય છે. આજ (ધુળેટી) ફુલડોલ ઉત્સવ ઉજવાશે. સવારથી જ જગતમંદિરે ભાવિકોનું ધોડાપુર ઉમટી પડશે. મંગલા આરતી સવારે ૫:૦૦ વાગ્યે ઉજવાશે. અનોસર(મંદિર બંધ) બપોરે ૧:૦૦ કલાકે થશે. ફુલડોલ ઉત્સવ આરતી બોપરે બે વાગ્યે થશે. બે થી ત્રણ એક કલાક સુધી ફુલડોલ ઉત્સવ ઉજવાશે. ઉત્સવ નિમીતે શ્રીજીને વિશેષ ભોગ ધરાવવામાં આવશે. તેમા નિત્યક્રમની તમામ પ્રકારની વ્યંજનો સાથે વિશેષ ધાણી-દારીયા, ખજુર, સુકોમેવો, મગ, ચોખા તથા મગજના લાડુ અને ફાફડાનો વિશેષ ભોગ ધરાશે. ત્યારબાદ ફુલડોલ ઉત્સવ આરતી કરાશે. ઉત્સવ આરતી દરમિયાન ફરીથી ઠાકોરજીને હસ્તમાં રંગોની પોટલી ધરાવાશે. તેમજ ચાંદીની પીચકારીમાં કેસુડાનું કેસરનું પાણી ભરી ઠાકોરજીને રંગે રમાડાશે. તથા ઠાકોરજીને ધરાવેલ રંગોની પોટલીમાંથી અને પીચકારીથી ભાવિકોને રંગે રમાડાશે. દ્વારકાધીશજીના જય જયકાર વચ્ચે ભાવિકો અબિલ ગુલાલથી રંગે રમશે. સમગ્ર મંદિર પરીસરમાં અબિલ ગુલાલની છોળો ઉડશે અને ભાવિકો શ્રીજી સંગ ભાવભેર ફુલડોલ ઉત્સવ ઉજવશે. હાલ ફુલડોલ ઉત્સવ ઉજવવા ઉમટેલા યાત્રિકો પદયાત્રિકોથી દ્વારકા ધમધમી રહ્યું છે.