ગાંધી ચોકથી રેલ્વે સ્ટેશન માર્ગ પર પ્રવેશબંધીનાં જાહેરનામાનો ભંગ - મોડીરાત્રે રોંગસાઈડમાં એસટી બસો આવતા ટ્રાફીક જામ
વૈકલ્પિક વ્યવસ્થા હોવા છતાં જાહેરનામાનો ઉલાળ્યો થયો : આવી ઘટના ફરીવાર ન બને તે માટે પગલા ભરવા માંગણી
જૂનાગઢ તા. ૧૦
જૂનાગઢ શહેરમાં ગાંધીચોકથી રેલ્વે સ્ટેશન સુધીનાં માર્ગ ઉપર ભુગર્ભ ગટર ફેઝ-રની કામગીરી અને ત્યારબાદ રસ્તાને સીમેન્ટ રોડ બનાવવાની કામગીરી અંતર્ગત તા.રપ નવેમ્બર સુધી અવર જવર માટે પ્રતિબંધ ફરમાવતું કમિશ્નર દ્વારા લાગુ કરવામાં આવેલ જાહેરનામાનો સરેઆમ ભંગ થયો હતો. ગઈકાલે મોડી રાત્રીનાં એસટીની બસો રોંગ સાઈડમાં નિકળતાં અડધા કલાકથી વધારે સમય ટ્રાફીક જામ થયો હતો. અને અહીથી પસાર થતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર જૂનાગઢથી રાજકોટ જવાના માર્ગ ઉપર ગાંધીચોક થી રેલ્વે સ્ટેશન સુધીના રસ્તાને બંધ કરી દેવામાં આવેલ છે. મનપાનાં કમિશ્નર દ્વારા એક જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું હતું અને રપ નવેમ્બર સુધી ભુગર્ભ ગટર ફેઝ-ર અને રસ્તાની કામગીરીને લઈને આ રસ્તો રાહદારીઓ અને વાહન ચાલકો માટે બંધ કરવામાં આવ્યો હતો. તેમજ ટ્રાફીકથી સતત ધમધમતા આ માર્ગમાં વૈકલ્પીક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તેમાં મજેવડી દરવાજાથી આવતા તમામ પ્રકારનાં વાહનોને રેલ્વે સ્ટેશન દરવાજાથી અંદર જઈ ત્યાંથી કોર્ટ રોડ, ચિતાખાના ચોક, ગાંધી ચોકની વૈકલ્પીક વ્યવસ્થા ગોઠવાઈ છે. આ દરમ્યાન ગઈકાલે મોડી રાત્રીનાં જે રસ્તો બંધનું જાહેરનામુ બહાર પાડયુ હતું અને એક તરફી વાહનોને અવર જવરનો માર્ગ ખુલ્લો રાખવામાં આવ્યો છે તે રસ્તા ઉપર જ અચાનક રોંગ સાઈડમાં એસટીની બસોે આવવા લાગતા એક તકે તો વાહનોનો થપ્પો લાગી ગયો હતો. અને ટ્રાફીકજામ જેવી સ્થિતિ સર્જાણી હતી. અને ત્યારબાદ ભારે જહેમત બાદ વાહન વ્યવહાર પુર્ન સ્થાપીત થઈ ગયો હતો. કહેવાનો મતલબ એ છે કે આ રસ્તો એક તરફી અંગેનું કામ સબબ જાહેરનામુ બહાર પાડયુ હતું પરંતુ તેમ છતાં તેનો ઉલાળીયો કરી અને વાહનો આવતા જતા હતા અને જેને કારણે ગંભીર પરિસ્થિતિ સર્જાણી હતી. આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે સંબંધીત તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવાની માંગણી ઉઠવા પામી છે.


