ડો.સુભાષ એજ્યુકેશન ફાઉન્ડેશનની ૫૦ વર્ષની ગૌરવશાળી સફરની ઉજવણી નિમિત્તે તાલુકા કક્ષાના વિજેતા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો
‘આવો, શિક્ષિત બનીએ’ – શિક્ષણનો પ્રકાશ દરેક ગામ અને દરેક ઘર સુધી પહોંચાડવાનો સંકલ્પ
જૂનાગઢ, તા.રપ
ડો.સુભાષ એજ્યુકેશન ફાઉન્ડેશનની ૫૦ વર્ષની ગૌરવશાળી સફરની ઉજવણીના ભાગરૂપે “આવો, શિક્ષિત બનીએ”ના પ્રેરણાદાયી સૂત્ર સાથે યોજાયેલી નિબંધ સ્પર્ધાના તાલુકા કક્ષાના વિજેતા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ તા.૨૧ નવેમ્બર ૨૦૨૬ના રોજ આયોજિત કરવામાં આવ્યો હતો. આ સ્પર્ધાનો હેતુ વિદ્યાર્થીઓની પ્રતિભા, સર્જનાત્મકતા અને લેખનકૌશલ્યને પ્રોત્સાહન આપવાનો હતો.
આ કાર્યક્રમમાં ડૉ સુભાષ એજ્યુકેશન ફાઉન્ડેશનના ચેરમેન જવાહરભાઈ ચાવડા, ટ્રસ્ટી મિતાબેન ચાવડા, ડૉ.સુભાષ યુનિવર્સિટીના પ્રમુખ રાજભાઈ ચાવડા તથા પ્રોવોસ્ટ ડૉ. દીપક પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો.
સ્પર્ધામાં અમરેલી, જૂનાગઢ, રાજકોટ અને ગીર સોમનાથ એમ કુલ ૪ જિલ્લાઓની ૧૮૦ શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સ્પર્ધા અંતર્ગત ૧૧૦૦થી વધુ નિબંધો પ્રાપ્ત થયા હતા, જેનું મૂલ્યાંકન ૬૦થી વધુ મૂલ્યાંકનકારો દ્વારા કરવામાં આવ્યું હતું.
મૂલ્યાંકનના આધારે તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા કુલ ૧૦૭ વિદ્યાર્થીઓની વિજેતા તરીકે પસંદગી કરવામાં આવી હતી. વિજેતાઓને પ્રમાણપત્ર અને શિલ્ડ સાથે કુલ રૂા.૧,૯૫,૦૦૦ની રોકડ પુરસ્કાર રકમ અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સન્માન સમારોહનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓની સિદ્ધિઓને બિરદાવવાનો, તેમનામાં આત્મવિશ્વાસ વધારવાનો અને તેમને ભવિષ્યમાં વધુ સારૂ શૈક્ષણિક તથા સર્જનાત્મક પ્રદર્શન કરવા પ્રેરિત કરવાનો હતો. ડૉ. સુભાષ એજ્યુકેશન ફાઉન્ડેશનના ચેરમેન જવાહરભાઈ ચાવડા જણાવ્યું હતું કે “આવો, શિક્ષિત બનીએ” માત્ર એક સૂત્ર નથી, પરંતુ સમાજના દરેક બાળક સુધી શિક્ષણની તકો પહોંચાડવાનો સંકલ્પ છે. સુભાષ એજ્યુકેશન ફાઉન્ડેશનની ૫૦ વર્ષની સફર શિક્ષણના પ્રસાર, વિદ્યાર્થીઓના વિકાસ અને સમાજના ઉત્થાન પ્રત્યેની તેની અવિરત પ્રતિબદ્ધતાનું પ્રતીક છે.


