જૂનાગઢમાં વોર્ડ નંબર-૭માં હરિઓમ નગરમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને ખાસ સઘન મતદારયાદી સુધારણા શિબિર યોજાઈ

જૂનાગઢમાં વોર્ડ નંબર-૭માં હરિઓમ નગરમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને ખાસ સઘન મતદારયાદી સુધારણા શિબિર યોજાઈ

જૂનાગઢ તા.૧૨
સમગ્ર રાજ્યમાં અત્યારે મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ એટલે કે SIR ચાલી રહ્યો છે. જેના ભાગરૂપે જૂનાગઢ જિલ્લામાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણાની કામગીરી શરૂ છે. બીએલઓ દ્વારા ઘરે ઘરે જઈને એન્યુમરેશન ફોર્મનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. તેમજ મતદારોને આપવામાં આવેલા ગણતરી પત્રક એન્યુમરેશન ફોર્મ ભરીને બીએલઓને જમા કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત જૂનાગઢ શહેરમાં આવેલા વોર્ડ નંબર ૦૭માં સ્થિત હરિઓમ નાગર, ગોપાલ વાડી, યમુના વાડી, અક્ષર એવેન્યુ વગેરે આસપાસના વિસ્તારોનો એક સંકલિત મતદારયાદી ખાસ સઘન સુધારણા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષ પદે સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટરએ સર્વે નાગરિકોને માહિતગાર કર્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, આ સમગ્ર કાર્યક્રમ થકી નવી મતદારયાદી અને નવા મતદાર કાર્ડ બનશે. જેમાં બીએલઓ, બીએલએ- ૧, બીએલએ- ૨ આમ સમગ્ર સ્ટાફ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ફાળવવામાં આવ્યો છે. જે ઘરે ઘરે જઈને મતદારોની માહિતી એકત્ર કરશે. તમારી ઘરે જયારે આ કર્મચારીઓ આવે ત્યારે તેનું આઇકાર્ડ છે કે નહી તે ખાસ પૂછવાનું રહે છે. આ સમગ્ર પ્રક્રિયા માટે કોઈપણ ઓટીપી, એસ.એમ.એસ. કે પાસવર્ડ, લીંક તમારા મોબાઈલ ફોનમાં આવશે નહીં. તેથી સાઈબર ક્રાઈમની આમાં કોઈ જ સંભાવના રહેલી નથી. તેઓએ આગળ જણાવ્યું હતું કે, છેલ્લે આ પ્રક્રિયા વર્ષ ૨૦૦૨ માં પૂર્ણ થઇ હતી. એક કોપી મતદારે પોતાની પાસે રાખવી. જયારે બીજી કોપી તેઓએ બીએલઓને પરત આપવાની રહે છે. આ ફોર્મ મતદારોએ જાતે જ ભરવાનું રહે છે. જાે તેમાં કોઈપણ મૂંઝવણ હોય કે પ્રશ્ન હોય તો બીએલઓ મદદરૂપ બનશે. આ માટે ૧૯૫૦- ફ્રી હેલ્પલાઈન નંબરમાં વાતચીત કરીને તેનાથી પણ મતદારો માહિતગાર બની શકશે. કાર્યક્રમના અંતે તેઓએ આ માટે સ્થાનિક રાજકીય, સામાજિક આગેવાનોને પણ સહકાર આપવા માટે અપીલ કરી હતી. તેમજ સ્થાનિક નાગરિકો પણ પોતાની ઘરે આવતા કર્મચારીઓને સાથ સહકાર આપે તેમ અનુરોધ વ્યકત કર્યો હતો. આ સંપૂર્ણ પ્રક્રિયા ખુબ જ પારદર્શક રીતે અને ચકાસણી કરીને હાથ ધરવામાં આવશે. આ માટે નજીકના સમયમાં વિસ્તાર દીઠ કેમ્પનું પણ આયોજન કરવામાં આવશે. આ સમગ્ર કાર્યક્રમ દરમ્યાન નાયબ કલેકટર ચરણસિંહ ગોહિલ, શહેર પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલીયા, હરેશભાઈ પરસાણા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એન.ડી.ધુળા, સ્થાનિક કોર્પોરેટરઓ, સોસાયટીના આગેવાનો, સ્થાનિક રહીશો સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા.