અફઘાનિસ્તાનની હોસ્પિટલ ઉપર પાકિસ્તાનની એરસ્ટ્રાઈક : ૪૦૦ના મોત

અફઘાનિસ્તાનની હોસ્પિટલ ઉપર પાકિસ્તાનની એરસ્ટ્રાઈક : ૪૦૦ના મોત

(એજન્સી)            કાબુલ તા.૧૭
પાકિસ્તાને ગત રાત્રે ફરી એકવાર અફઘાનિસ્તાન ઉપર એરસ્ટ્રાઈક કરી છે. સ્થાનિક મીડિયા અનુસાર, પાકિસ્તાની વાયુસેનાના યુધ્ધ વિમાનોએ રાજધાની કાબુલના ઘણા વિસ્તારોને નિશાન બનાવ્યા, જેમાં એક હોસ્પિટલ પણ સામેલ છે. જેમાં ૪૦૦ લોકોનાં મોત થયા છે, જ્યારે ૨૫૦થી વધુ ઘાયલ થયા છે.
દારુલઅમાન, અરજાનકીમત, ખૈરખાના અને કાબુલ ઇન્ટરનેશનલ એરપોર્ટની આસપાસના ઘણા સ્થળોએ ધમાકા અને ગોળીબારના અવાજો સંભળાયા હતા.
તાલિબાન સરકારના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે આરોપ લગાવ્યો છે કે પાકિસ્તાની સેનાએ કાબુલમાં એક નશા મુક્તિ હોસ્પિટલ પર બોમ્બ ફેંક્યા હતા. તાલિબાને આ હુમલાની સખત નિંદા કરતા તેને માનવતા વિરુદ્ધનો અપરાધ ગણાવ્યો છે અને કહ્યું કે પાકિસ્તાને અફઘાનિસ્તાનના એરસ્પેસનું ઉલ્લંઘન કર્યું છે.જ્યારે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફના પ્રવક્તા મોશર્રફ ઝૈદીએ આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા અને કહ્યું કે કાબુલમાં કોઈ હોસ્પિટલને નિશાન બનાવવામાં આવી નથી.